Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલ પ્રદેશની પુત્રઘેલછા પર આક્રોશ વ્યક્ત કર્યો કંગના રનૌતે

હિમાચલ પ્રદેશની પુત્રઘેલછા પર આક્રોશ વ્યક્ત કર્યો કંગના રનૌતે

Published : 13 August, 2026 10:52 AM | IST | himachal pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૦ દીકરીઓ પછી અગિયારમા પ્રયાસે દીકરો અવતર્યો એના વિશેની પોસ્ટ પર પોતાના જ પરિવારના બે આંચકાજનક કિસ્સા શૅર કર્યા

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌતે પોતાના હોમ-સ્ટેટ હિમાચલ પ્રદેશમાં વ્યાપ્ત પુરુષપ્રધાન માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે. સોશ્યલ મીડિયા પર ૧૦ દીકરીઓ બાદ અગિયારમી વારમાં પુત્રને જન્મ આપનારી હિમાચલની એક મહિલાનો વિડિયો વાઇરલ થયો હતો, જેના પછી કંગનાએ પોતાના કડવા અને દર્દનાક પારિવારિક અનુભવો શૅર કરીને સમાજની આ સંકુચિત સોચ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ વાઇરલ વિડિયો વિશે પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું હતું કે માત્ર પુત્રપ્રાપ્તિની ઘેલછામાં મહિલાને વારંવાર ગર્ભાવસ્થાના અસહ્ય દર્દમાંથી પસાર કરવી એ અત્યંત અમાનવીય છે. યુઝરે સવાલ ઉઠાવ્યો હતો કે સ્ત્રીના સમગ્ર અસ્તિત્વને માત્ર ‘પુત્ર પેદા કરવાના સાધન’ તરીકે સીમિત કરી દેવું કેટલે અંશે વાજબી છે?



આ પોસ્ટ પર કંગના રનૌતે લખ્યું કે ‘હિમાચલ પ્રદેશમાં પુત્રપ્રાપ્તિ માટેની આ જંગલી માનસિકતા દેશના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં વધુ ઘૃણાસ્પદ છે. મને યાદ છે જ્યારે મારી એક કઝિનને બીજી વાર પણ દીકરી અવતરી ત્યારે સગાં-સંબંધીઓ અને આસપાસના લોકો તેના ઘરે એ રીતે પહોંચ્યાં હતાં જાણે કોઈનું અવસાન થયું હોય. મારી બહેને મને ફોન કરીને રડતાં-રડતાં કહ્યું કે લોકો આવીને એવી વાતો કરે છે જે સહન કરવી તેના માટે અસહ્ય છે. હું આ સાંભળીને હેરાન હતી અને પોતે લાચારી અનુભવી રહી હતી.’


સમાજના આ અમાનવીય અભિગમનું ભયાવહ ઉદાહરણ આપતાં કંગનાએ વધુ એક પારિવારિક ઘટના ટાંકી હતી. તેણે લખ્યું, ‘મારા બીજા એક ભાઈની પત્નીને સંતાનમાં બીજી દીકરી થતાં તે ગંભીર ડિપ્રેશનમાં સરી પડી હતી. જોકે તેનો પતિ અને પરિવાર ખૂબ સપોર્ટિવ હતા, છતાં સામાજિક દબાણને કારણે તે પોતાની નવજાત બાળકીનો ચહેરો જોવા કે તેને સ્પર્શ કરવા પણ તૈયાર નહોતી. સ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે તેને હૉસ્પિટલમાં ભરતી કરાવવી પડી હતી. જોકે હવે તે સ્વસ્થ છે, પરંતુ એ મંઝર તેની મોટી દીકરી માટે પણ એક ભયાનક સ્વપ્ન સમાન હતો.’

Z5 પર આવે છે ભારત ભાગ્ય વિધાતા
કંગના રનૌત તાજેતરમાં ફિલ્મ ‘ભારત ભાગ્ય વિધાતા’માં જોવા મળી હતી. મનોજ તાપડિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલા દરમ્યાન કામા હૉસ્પિટલની નર્સો અને સ્ટાફની વીરતા પર આધારિત છે. થિયેટરોમાં ખાસ પ્રતિસાદ ન મળ્યા બાદ હવે આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે OTT પ્લૅટફોર્મ Z5 પર રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2026 10:52 AM IST | himachal pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK