આજે કચ્છમાં મોટી વિરાણીમાં યોજાશે તેમની શ્રદ્ધાસુમન સભા: બાપુને આવ્યો હતો અટૅક
સ્વામી શાંતિદાસજી મહારાજ.
ગુજરાતના કચ્છમાં મોટી વિરાણી ગામે રામજી મંદિરના સ્વામી શાંતિદાસજી મહારાજ બદરીનાથધામમાં બ્રહ્મલીન થયા છે. અટૅકના કારણે બદરીનાથ ખાતે તેમનું અવસાન થયું હતું. બદરીનાથમાં તેમની અંતિમ યાત્રા યોજાઈ હતી અને અલકનંદા નદીમાં તેમના પાર્થિવ દેહને જળસમાધિ અપાઈ હતી. મોટી વિરાણી ખાતે રવિભાણ આશ્રમ, રામજી મંદિર ખાતે આજે બપોરે તેમની શ્રદ્ધાસુમન સભા યોજાશે. સ્વામીના બ્રહ્મલીન થતાં સાધુ-સંતો, તેમના શિષ્યો અને નાગરિકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાપુના સમાચાર મળતાં જ રોજેરોજ ધાર્મિકજનો તેમને પુષ્પાંજલિ અર્પવા આવી રહ્યા છે.
સ્વામી શાંતિદાસજી મહારાજના શિષ્ય મહંત સરયૂદાસજી (સુરેશદાસજી) બાપુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગુરુ સ્વામી શાંતિદાસજી મહારાજ બાપુ બદરીનાથ ગયા હતા. ભાદરવા સુદ પૂનમે તેઓ બેઠા હતા અને એકાએક તેમને અટૅક આવ્યો હતો જેના કારણે તેઓ બ્રહ્મલીન થયા હતા. તેઓ ૫૩ વર્ષના હતા. તેઓ બ્રહ્મલીન થતાં ત્યાં અલકનંદા નદીમાં તેમને જળસમાધિ અપાઈ હતી. તેમના પાર્થિવ દેહને નદીના જળમાં પધરાવ્યો હતો. બાપુએ સંદેશો આપ્યો હતો કે સાચા માનવી બનીને રહીએ, સમરસતા સાથે સેવાના કામ કરતા રહીએ.’
