વિપક્ષે સતત બીજા દિવસે પણ SIR પર તાત્કાલિક ચર્ચાની માગણી કરીને નારાબાજી ચાલુ રાખીને કામ ખોરંભે ચડાવ્યું
ગઈ કાલે સંસદ પરિસરમાં SIRના મુદ્દે વિપક્ષે પોસ્ટરો લઈને નારાબાજી કરી હતી.
ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે જ વિપક્ષે પહેલાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મુદ્દે ચર્ચા કરવાની રજૂઆત કરી હતી અને એમ ન થતાં નારાબાજી કરીને સદનની કાર્યવાહી અટકાવવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસ-અધ્યક્ષ અને રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘અમે લોકતંત્રને બચાવવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા વિરોધ ચાલુ રાખીશું. SIR અર્જન્ટ વિષય છે અને એને કારણે લોકોનાં મૃત્યુ થઈ રહ્યા છે. એના પર પહેલાં ચર્ચા થવી જ જોઈએ.’
નારાબાજી અને અવ્યવસ્થાને પગલે લોકસભાની કાર્યવાહી બે કલાક માટે રોકવામાં આવી હતી અને પછી રાજ્યસભાની કામગીરી આજે બપોરે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બીજી તરફ ગઈ કાલે બપોરે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પાર્ટીના નેતાઓની બેઠક બોલાવીને કયા મુદ્દા પર ચર્ચા થવી જોઈએ એની વાત સાંભળી હતી. એ પછી જાહેર કર્યું હતું કે ‘૮ ડિસેમ્બરે વન્દે માતરમ્ પર ચર્ચા માટે ૧૦ કલાક ફાળવવામાં આવ્યા છે અને બીજા દિવસે એટલે કે ૯ ડિસેમ્બરે ચૂંટણી સુધારણાને લગતા કાયદાઓ અને SIR પર ૧૦ કલાક ચર્ચા થશે. કેન્દ્રના કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલ ૧૦ ડિસેમ્બરે એનો જવાબ આપશે.’


