પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરીને વિદ્યાર્થીઓએ કર્યું હિંસક પ્રદર્શન
શનિવારે મોડી રાતે પ્રદર્શનકારીઓએ યુનિવર્સિટીના બિલ્ડિંગને આગ ચાંપી હતી.
શનિવારે રાત્રે હોબાળો મચાવીને કૅમ્પસમાં તોડફોડ કરી, દિલ્હી-અમૃતસર હાઇવે જૅમ કરીને શહેરને બાનમાં લીધું, બિલ્ડિંગોમાં આગ લગાવી ઃ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે બળાત્કાર અને આપઘાતની ખબરને ખોટી અને પાયાવિહોણી ગણાવી
પંજાબના પટિયાલામાં આવેલી ચિતકારા યુનિવર્સિટી બાદ હવે ફગવાડાની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)માં પણ સોશ્યલ મીડિયા પર ફેલાયેલી અફવાને કારણે ભારે હોબાળો મચ્યો હતો જેણે હિંસક પ્રદર્શનનું સ્વરૂપ લઈ લીધું હતું
ADVERTISEMENT
હિંસક વિરોધ અને તોડફોડ
શનિવારે મોડી રાત્રે LPU કૅમ્પસમાં એક વિદ્યાર્થિની સાથે બળાત્કાર થયો હોવાનો અને ત્યાર બાદ તેણે આપઘાત કર્યો હોવાનો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વાઇરલ સમાચારથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ કૅમ્પસમાં ભારે તોડફોડ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે કોઈ બહારની વ્યક્તિએ ગર્લ્સ હૉસ્ટેલમાં ઘૂસીને સ્ટુડન્ટ પર રેપ કર્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી એક વિડિયો પણ શૅર કરવામાં આવ્યો છે જેમાં તેઓ દાવો કરી રહ્યા છે કે આ એ સ્ટુડન્ટ પર રેપ થયાનો છે. બેકાબૂ સ્ટુડન્ટ્સે હૉસ્ટેલનાં બિલ્ડિંગોની બારીના કાચ તોડીને આગ ચાંપી દીધી હતી. રવિવારે વહેલી સવારે ૭ વાગ્યે વિદ્યાર્થીઓએ દિલ્હીથી અમૃતસર જતા નૅશનલ હાઇવેને પણ બ્લૉક કરી દીધો હતો અને આરોપીઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી હતી.
પોલીસ અને યુનિવર્સિટીનો ઇનકાર
જોકે યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર મોનિકા ગુલાટીએ આ અહેવાલોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અસામાજિક તત્ત્વો યુનિવર્સિટીનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલે કહ્યું હતું કે ‘G-3 હૉસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિની સાથે ૩ દિવસ પહેલાં કથિત રીતે બળાત્કાર થયો હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા થઈ છે, પરંતુ કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે આ મામલે FIR નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે અને તમામ ડિજિટલ તથા ટેક્નિકલ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે.’
