૭ કલાકના ડ્રામા બાદ પોલીસે ઘરમાં ઘૂસીને ઑપરેશન પાર પાડ્યું જેમાં આરોપીના પુત્રનું પણ મોત થયું
અરવિંદ સિંહ
ઉત્તર પ્રદેશના આઝમગઢમાં મંગળવારે એક હચમચાવી દેનારી ઘટના બની હતી. અરવિંદ સિંહ નામનો માણસ સાંજે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની બબીતા બે પૂજારીઓ સાથે ઘરમાં કોઈ ધાર્મિક વિધિ કરી રહી હતી. પોલીસના જણાવ્યા મુજબ અરવિંદ માનસિક રીતે અસ્થિર હોવાથી તેના પરથી ખરાબ પ્રભાવ દૂર કરવા પરિવારે આ પૂજા રાખી હતી.
પૂજા અને પૂજારીઓનું અપમાન થતાં ઘરમાં બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા અરવિંદે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પત્ની અને બન્ને પૂજારીઓની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે પોતાનાં ત્રણ બાળકોને રૂમમાં બંધક બનાવ્યાં હતાં અને મોટી દીકરીને ઢાલ તરીકે ઊભી રાખી હતી.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ થતાં સ્પેશ્યલ ઑપરેશન્સ ગ્રુપ (SOG) અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ૭ કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટિયર ગૅસ છોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ સાથેની સામસામે ગોળીબારની અથડામણમાં અરવિંદ અને તેના પુત્રને ગોળી વાગતાં બન્નેના હૉસ્પિટલમાં મોત થયાં હતાં. પોલીસે બન્ને બાળકીઓને સુરક્ષિત બચાવી લીધી છે, પરંતુ તેઓ ઊંડા આઘાતમાં છે. જોકે તેનો પુત્ર પિતાનો સાથ આપી રહ્યો હતો કે પોલીસ ગોળીબારમાં તેનું મોત થયું કે તેના પિતાએ જ તેની હત્યા કરી એ વિશે હજી સુધી સ્થિતિ અસ્પષ્ટ છે.
