ગ્રાહકની ગ્રૅન્ડ વિટારા કારમાં ખામી સર્જાંઈ એને પગલે કમિશને વાહન બદલવા અથવા ૨૦.૫ લાખ રૂપિયા રીફન્ડ કરવાનો આદેશ આપ્યો હતો : કંપનીનો દાવો છે કે ઈંધણ દૂષિત હતું
પ્રતીકાત્મક તસવીર
મારુતિ સુઝુકી ઇન્ડિયાએ રાયપુરના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન દ્વારા ૧૪ જુલાઈએ પસાર કરાયેલા એક ઑર્ડરને યોગ્ય ઉચ્ચ ફોરમમાં કાયદાકીય રીતે પડકારવાની જાહેરાત કરી હતી. ગ્રાહક કમિશને કંપનીને ૪૫ દિવસની અંદર ગ્રાહકને નવું E20 સુસંગત વાહન આપવા અથવા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) અને ઇન્શ્યૉરન્સ ખર્ચ સહિત ૨૦.૫ લાખ રૂપિયાનું સંપૂર્ણ રીફન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ગ્રૅન્ડ વિટારા હાઇબ્રિડ કારના છત્તીસગઢના એક માલિકે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી કે E20 પેટ્રોલ ભરાવ્યા બાદ તેમની કારમાં ટેક્નિકલ સમસ્યાઓ શરૂ થઈ હતી.
કંપનીએ સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે આ વાહન પહેલેથી જ E20 ઈંધણ પર ચાલવા માટે સંપૂર્ણ સક્ષમ હતું અને ઓનર્સ મૅન્યુઅલમાં પણ એનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ કાર જાન્યુઆરી ૨૦૨૩માં બની હતી અને જૂન ૨૦૨૪માં ગ્રાહકને વેચવામાં આવી હતી. મારુતિ સુઝુકીના જણાવ્યા અનુસાર ગ્રાહકના વાહનમાંથી લેવામાં આવેલા ઈંધણના નમૂનામાં ભેળસેળ હોવાના પુરાવા મળ્યા હતા જેને કમિશને પોતાના ઑર્ડરમાં ધ્યાનમાં લીધા નથી. દેશમાં હાલમાં એથનૉલ-મિશ્રિત ઈંધણ અને વાહનોની સુસંગતતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ કેસે ભારે ધ્યાન ખેંચ્યું છે.
