રાજસ્થાનની સુવર્ણનગરી જેસલમેરે દેશની ઊર્જા-સુરક્ષાને મજબૂત બનાવી છે. ઑઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL)એ જેસલમેર જિલ્લાના દાંડેવાલા ક્ષેત્રમાં કુદરતી ગૅસનો એક નવો અને સમૃદ્ધ સ્રો
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનની સુવર્ણનગરી જેસલમેરે દેશની ઊર્જા-સુરક્ષાને મજબૂત બનાવી છે. ઑઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL)એ જેસલમેર જિલ્લાના દાંડેવાલા ક્ષેત્રમાં કુદરતી ગૅસનો એક નવો અને સમૃદ્ધ સ્રોત શોધી કાઢ્યો છે. આ શોધ માત્ર રાજસ્થાન માટે જ નહીં, ભારતની ઊર્જા આત્મનિર્ભરતાની દિશામાં પણ એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે. નોંધપાત્ર રીતે પ્રથમ વખત સાનુ ફૉર્મેશનમાંથી ગૅસનો પ્રવાહ શરૂ થયો છે જે આ ક્ષેત્રમાં તેલ અને ગૅસના સંશોધન માટે નવાં ક્ષેત્રો ખોલે છે.
ઑઇલ ઇન્ડિયા લિમિટેડે કરેલી આ શોધનાં ટેક્નિકલ પાસાંઓ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. હાલમાં આ નવા ગૅસ-સમૃદ્ધ પે ઝોનમાંથી આશરે ૨૫,૦૦૦ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પર ડે (SCMD) કુદરતી ગૅસનું ઉત્પાદન થઈ રહ્યું છે. નિષ્ણાતોએ આ વિસ્તારમાં આશરે ૭૫ મિલ્યન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગૅસ સંસાધનોની સંભાવનાનો અંદાજ લગાવ્યો છે. કંપનીએ ગૅસ મેળવવા માટે આશરે ૯૫૦ મીટરની ઊંડાઈ સુધી ડ્રિલિંગ કર્યું છે.
ADVERTISEMENT
ઊર્જા આત્મનિર્ભરતા તરફ એક પગલું
ભારત લાંબા સમયથી ક્રૂડ ઑઇલ અને કુદરતી ગૅસની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રયત્નશીલ છે. એવામાં નવા સ્થાનિક ગૅસ ભંડારની શોધ એ ઊર્જા-સુરક્ષા માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. આ શોધ દેશમાં કુદરતી ગૅસની ઉપલબ્ધતામાં વધારો કરશે એટલું જ નહીં, આયાત પર વિદેશી વિનિમય ખર્ચમાં પણ ઘટાડો કરશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગૅસપ્રધાન હરદીપ સિંહ પુરીએ આ સિદ્ધિ પર સમગ્ર ઑઇલ ઇન્ડિયા ટીમને અભિનંદન આપ્યાં હતાં અને એને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઊર્જા સ્વનિર્ભરતા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર વધારો ગણાવ્યો હતો.
જેસલમેરના આ દૂરના પ્રદેશમાં ગૅસ ભંડારની શોધથી માત્ર ઊર્જા-ઉત્પાદનમાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશના આર્થિક પરિદૃશ્યમાં પણ સકારાત્મક ફેરફારો લાવવાની અપેક્ષા છે. રાજસ્થાન હવે માત્ર એક મુખ્ય તેલ-ઉત્પાદક તરીકે જ નહીં પરંતુ દેશમાં એક મુખ્ય ગૅસ હબ તરીકે પણ ઝડપથી ઊભરી રહ્યું છે. દાંડેવાલા ક્ષેત્રની સફળતા ભવિષ્યમાં આ પ્રદેશને ઔદ્યોગિક વિકાસનાં નવાં પરિમાણો પ્રદાન કરશે.
