ચૂંટણી-કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પક્ષોનું એક અઠવાડિયાનું અભિયાન દેશભરમાં થશે લોકતંત્ર બચાઓ માર્ચ
ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની બેઠક.
દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયા બ્લૉકની બેઠક પછી કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજીથી ૮ ઑક્ટોબર દરમ્યાન જિલ્લા સ્તરે ભારતભરમાં ‘લોકતંત્ર બચાઓ માર્ચ’ કાઢવાની જાહેરાત કરી છે. આ બેઠકમાં વિરોધ પક્ષની ૨૦ પાર્ટીઓ સામેલ થઈ હતી. લોકતંત્ર બચાઓ મિશન અંતર્ગત ૬ ઑક્ટોબરે વિપક્ષના સંસદસભ્યો દ્વારા ચૂંટણીપંચને ઘેરવામાં આવશે. છઠ્ઠી ઑક્ટોબરે માર્ચ કાઢીને ચૂંટણી-કમિશનની ઑફિસને ઘેરવામાં આવશે એમ જણાવીને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ‘જ્ઞાનેશ કુમાર અત્યારે મોદી સરકારની કઠપૂતળી બની બેઠા છે. મતોની ગણતરીમાં ચૂંટણીપંચ પણ સામેલ છે. અમે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને રજૂઆત કરીશું. આવનારા મહિનામાં દેશભરમાં માર્ચ નીકળશે અને પાંચ મોટી રૅલીઓ થશે. એ રૅલીઓનું સ્થાન ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.’
