રનવે નજીક ઊડતી વસ્તુઓ દેખાતાં ઍર ટ્રાફિક કન્ટ્રોલે તમામ ઑપરેશન રોકી દીધાં
પ્રતીકાત્મક તસવીર
પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસજી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર રવિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ભારે હડકંપ મચી ગયો હતો. રનવે અને અન્ય સંવેદનશીલ વિસ્તારો નજીક બેથી ૪ શંકાસ્પદ ડ્રોન જેવી ઊડતી વસ્તુઓ દેખાતાં ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ફ્લાઇટ્સનાં લૅન્ડિંગ અને ટેકઑફ તાત્કાલિક રોકી દેવામાં આવ્યાં હતાં.
ઘટનાની ગંભીરતાને જોતાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) અને પંજાબ પોલીસની ટીમોએ ઍરપોર્ટની આસપાસના વિસ્તારમાં સર્ચ-ઑપરેશન શરૂ કર્યું હતું. આ સુરક્ષા-વિઘ્નને કારણે ૭ જેટલી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. મલેશિયા ઍરલાઇન્સ અને ઍર ઇન્ડિયાની ફ્લાઇટને દિલ્હી ડાઇવર્ટ કરાઈ હતી, જ્યારે ઇન્ડિગોની બે ફ્લાઇટ ચંડીગઢ મોકલવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ૩ સ્થાનિક ફ્લાઇટ્સ મોડી પડી હતી.
ADVERTISEMENT
ઍરપૉર્ટ ડિરેક્ટર અનિરુદ્ધ કુમારના જણાવ્યા મુજબ સુરક્ષા-એજન્સીઓએ ઍરસ્પેસ ક્લિયર કર્યા બાદ જ ફ્લાઇટ-ઑપરેશન ફરી શરૂ કરવામાં આવ્યાં હતાં. અમૃતસર ઍરપોર્ટ પાકિસ્તાની સરહદની અત્યંત નજીક આવેલું હોવાથી
સુરક્ષા-એજન્સીઓ આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ડ્રોન ક્યાંથી આવ્યાં તે શોધવા માટે સુરક્ષાદળોએ આસપાસનાં સરહદી ગામોમાં સંયુક્ત તપાસ શરૂ કરી દીધી છે.
