ઇન્જરી-બ્રેક પછી મેદાનમાં ઊતરેલા પંડ્યાના પાવરે સાઉથ આફ્રિકાને ધૂળ ચટાડી દીધી, ૧૭૬ રનના ટાર્ગેટ સામે ૭૪માં ઑલઆઉટ થઈને ૧૦૧ રનના તોતિંગ માર્જિનથી હારી ગયું
હાર્દિક પંડ્યા
ગઈ કાલે T20 સિરીઝની પહેલી મૅચમાં ભારતે સાઉથ આફ્રિકાને ૧૦૧ રનથી જબરદસ્ત પરાજય ચખાડ્યો હતો. કટકમાં રમાયેલી આ મૅચમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને ભારતને બૅટિંગ આપી હતી. ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૫ રન કર્યા હતા અને એના જવાબમાં સાઉથ આફ્રિકા ૧૨.૩ ઓવરમાં માત્ર ૭૪ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું.
ભારતની જીતનો હીરો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હતો. ઇન્જરીમાંથી પાછા ફર્યા પછી તેણે છઠ્ઠા નંબરે બૅટિંગ કરીને ૨૮ બૉલમાં ધમાકેદાર ૫૯ રન કર્યા હતા જેમાં ૪ સિક્સ અને ૬ ફોરનો સમાવેશ હતો. ત્યાર બાદ તેણે બોલિંગમાં બે ઓવરમાં ૧૬ રન આપીને એક વિકેટ પણ લીધી હતી.
ADVERTISEMENT
હાર્દિક સિવાયના ભારતના બધા બૅટરો કંઈ ઉકાળી શક્યા નહોતા. બારમી ઓવરમાં ચોથી વિકેટ તરીકે તિલક વર્મા આઉટ થયો ત્યારે હાર્દિક રમવા આવ્યો હતો અને એ વખતે ટીમનો સ્કોર હતો માત્ર ૭૮. હાર્દિક સામે ૧૦૪ના સ્કોર પર અક્ષર પટેલ અને ૧૩૭ રનના સ્કોર પર શિવમ દુબે આઉટ થયા હતા. શિવમ દુબે આઉટ થયો ત્યારે માત્ર ૧૭ બૉલ બાકી હતા, પણ પછી હાર્દિકે જિતેશ શર્મા સાથે મળીને સ્કોરને ૧૭૫ પર પહોંચાડ્યો હતો.
હાર્દિકના આક્રમણથી હતાશ થયેલું આફ્રિકા બૅટિંગમાં પાણીમાં બેસી ગયું હતું અને T20ના એના લોએસ્ટ સ્કોર ૭૪માં ઑલઆઉટ થઈ ગયું હતું. અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ બે-બે તથા હાર્દિક અને શિવમ દુબેએ એક-એક વિકેટ લીધી હતી.


