Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેલોડીની મીટિંગમાં મેલડી છવાઈ ગઈ

મેલોડીની મીટિંગમાં મેલડી છવાઈ ગઈ

Published : 21 May, 2026 07:16 AM | IST | italy
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની માટે નરેન્દ્ર મોદી ભારતની મેલડી બ્રૅન્ડની ટૉફી લઈ ગયા : આ ગિફ્ટ પછી દેશી ટૉફીની ડિમાન્ડ એટલી વધી કે ઑનલાઇન માર્કેટ પર સોલ્ડ આઉટ થઈ ગઈ : પારલે ઇન્ડસ્ટ્રીઝ નામની રિયલ એસ્ટેટ કંપનીના શૅરમાં પણ તડાકો

નરેન્દ્ર મોદી લઈ ગયા મેલડી બ્રૅન્ડની ટૉફી

નરેન્દ્ર મોદી લઈ ગયા મેલડી બ્રૅન્ડની ટૉફી


Meloni અને Modi શબ્દોમાંથી Melodi શબ્દ જ્યૉર્જિયા મેલોનીએ જ કૉઇન કર્યો હતો, એટલે જ નરેન્દ્ર મોદી લઈ ગયા મેલડી બ્રૅન્ડની ટૉફી

રાહુલ ગાંધીને પેટમાં દુખ્યું, કહ્યું કે આ નેતૃત્વ નહીં પણ નૌટંકી છે



વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઇટલીના રોમ પહોંચ્યા પછી વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને મળ્યા હતા. આ બે નેતાઓની મુલાકાત માત્ર રાજનીતિક ચર્ચાઓ સુધી સીમિત નહોતી. તેમની વચ્ચે જબરજસ્ત કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી. મેલોનીને મળીને નરેન્દ્ર મોદીએ આપણે ત્યાં ફેમસ એવી મેલડી બ્રૅન્ડની ટૉફીનું પૅકેટ તેમને ગિફ્ટ કર્યું હતું. એ ટૉફી જોઈને ખુશ થઈ ગયેલાં મેલોનીએ તેમના ઇન્ડિયન દોસ્ત સાથે એક રીલ બનાવીને આ વાત શૅર કરી હતી, જેમાં તેઓ કહેતા દેખાયા હતા કે ‘વડા પ્રધાન મોદી મારા માટે ગિફ્ટમાં બહુ સારી-સારી ટૉફી લઈને આવ્યા છે – મેલોડી. ગિફ્ટ માટે થૅન્ક યુ.’


રાજનીતિક મુલાકાતોમાં સામાન્ય રીતે મોંઘી અને પરંપરાગત મૂલ્યો ધરાવતી ગિફ્ટ્સ આપવામાં આવે છે, પણ નરેન્દ્ર મોદીએ મેલડી જેવી સાધારણ દેખાતી ટૉફી કેમ આપી? એનું કારણ એ છે કે સોશ્યલ મીડિયા પર Meloni અને Modi શબ્દોમાંથી બનેલો Melodi શબ્દ ખૂબ વાઇરલ થયો છે. હકીકતમાં આ શબ્દ પણ જ્યૉર્જિયા મેલોનીએ ખુદ મજાકિયા અંદાજમાં કૉઇન કર્યો હતો. ૨૦૨૩માં દુબઈમાં મળેલી આંતરરાષ્ટ્રીય સ્તરની સમિટમાં જ્યારે જ્યૉર્જિયા મેલોની નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે મેલોનીએ ખુદ એક સેલ્ફી લઈને કૅપ્શનમાં ‘#Melodi’ ઉપનામ આપ્યું હતું. એ પછી તો G20 સમિટ અને અન્ય ઇન્ટરનૅશનલ કાર્યક્રમોમાં ઇન્ટરનેટ પર ‘મેલોડી’ શબ્દ મીમ અને ટ્રેન્ડ બની ગયો. આ જ વાતને મજાકિયા અંદાજમાં આગળ વધારતાં નરેન્દ્ર મોદીએ મેલોનીને ભારતની જાણીતી ટૉફી મેલડી ગિફ્ટ કરી હતી. આ ગિફ્ટને માત્ર એક કૅન્ડી નહીં પણ ભારતીય પૉપ-કલ્ચર, બચપણની યાદો અને મેડ ઇન ઇન્ડિયાની ઓળખ કરાવતો મીઠો સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે. 

બસ, ત્યારથી ઇન્ટરનેટ પર મોદી, મેલોની અને મેલોડીના જાતજાતનાં મીમ્સ આવવાં શરૂ થઈ ગયાં હતાં. મેલોનીએ શૅર કરેલા વિડિયોને જોતજોતામાં ૧૦૦ મિલ્યન વ્યુઝ મળી ગયાં હતાં અને હજી એ આંકડો વધી રહ્યો છે.

બ્લિન્કિટ, ઝેપ્ટો અને ઇન્ટામાર્ટ પર મેલોડી સૉલ્ડ આઉટ 
ઇટલીના રોમમાં એક તરફ નરેન્દ્ર મોદીએ મેલડી ગિફ્ટ કરી અને બીજી તરફ ભારતમાં એના ગ્રાહકો અચાનક વધી ગયા. એક સમયે જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતી અને હાલમાં વિદેશી બ્રૅન્ડ્સની ટૉફીઓ વચ્ચે ગુમનામ થઈ ગયેલી મેલડીની ડિમાન્ડ અચાનક વધી ગઈ હતી. લોકોએ બ્લિન્કિટ, ઝેપ્ટો, ઇન્સ્ટામાર્ટ પર ધડાધડ આ ટૉફીઓ ઑર્ડર કરવાની શરૂ કરતાં ક્વિક કૉમર્સ પ્લૅટફૉર્મ્સના ડાર્ક સ્ટોર્સમાંથી મેલડી આઉટ ઑફ સ્ટૉક થઈ ગઈ હતી. જે ચૉકલેટને પબ્લિસિટી દાયકાઓથી અઢળક રૂપિયા ખર્ચીને થયેલી ઍડ્વર્ટાઇઝિંગ દ્વારા ન મળી એ કામ નરેન્દ્ર મોદીની એક ડિપ્લોમૅટિક હળવી ક્ષણે કરી આપ્યું હતું. 

પારલે ઇન્ડસ્ટ્રીઝના શૅર માલામાલ 


ઇટલીના રોમમાં નરેન્દ્ર મોદીએ એક રૂપિયાની ‘મેલડી’ ચૉકલેટનું પૅકેટ ગિફ્ટ કર્યું એના પડઘા હજારો માઇલ દૂર ઇન્ડિયાના શૅરમાર્કેટમાં પણ પડ્યા. ગઈ કાલે પારલે ઇન્ડસ્ટ્રીઝના શૅર્સમાં અપર સર્કિટ લાગી ગઈ. જોકે હકીકતમાં જે કંપનીના શૅરમાં ઉછાળ જોવા મળ્યો એ કંપની આ ટૉફી બનાવતી જ નથી. મેલડી ટૉફી પારલે પ્રોડક્ટ્સ નામની કંપની દ્વારા બને છે, પરંતુ ગઈ કાલે પારલે ઇન્ડસ્ટ્રીઝના શૅરોમાં ઉછાળ આવી ગયો હતો. પારલે પ્રોડક્ટ્સ કંપની શૅરબજારમાં લિસ્ટેડ જ નથી, જ્યારે પારલે ઇન્ડસ્ટ્રીઝ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કાર્યરત છે. લગભગ સરખાં અને મળતાં નામો હોવાથી નરેન્દ્ર મોદીના આ જેશ્ચરથી પારલે ઇન્ડસ્ટ્રીઝને શૅરમાર્કેટમાં ફાયદો થઈ ગયો હતો.

રાહુલ ગાંધીને મેલોડીની કેમિસ્ટ્રી પસંદ ન આવી 

લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ હળવો અંદાજ પણ પસંદ આવ્યો લાગતો નથી. તેમણે આ વાત પર પણ રાજકીય રંગ આપવાની કોશિશ કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘આર્થિક તોફાન માથે છે અને આપણા વડા પ્રધાન ઇટલીમાં ટૉફી વહેંચી રહ્યા છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂરો અને નાના વેપારીઓ બધા રડી રહ્યા છે અને PM હસીને રીલ બનાવી રહ્યા છે અને BJPવાળા તાળીઓ વગાડે છે. આ નેતૃત્વ નહીં, નૌટંકી છે.’

મેલડી વિશે જાણવા જેવું    

મેલડી એ બિસ્કિટ બનાવતી દિગ્ગજ કંપની પારલે પ્રોડક્ટ્સની એક ફેમસ ચૉકલેટ કૅન્ડી છે. પારલે પ્રોડક્ટ્સે આ ટૉફી પહેલી વાર ૧૯૮૩માં લૉન્ચ કરી હતી. એ પછી ૧૯૯૦ના દાયકાના અંત અને ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં મેલડીની ‘મેલડી ઇતની ચૉકલેટી ક્યોં હૈ?’ ટૅગલાઇન અને એનો જવાબ ‘મેલડી ખાઓ, ખુદ જાન જાઓ’ એ દરેક બાળકના મોં પર રમતી લાઇનો હતી. બહારથી કૅરેમલ અને અંદરથી ચૉકલેટ ફ્લેવરવાળી ટૉફી ભારતમાં બહુ સસ્તી મળતી હોવાથી અહીંના બચ્ચા-બચ્ચા સુધી પહોંચી ગઈ હતી. એક સમયે માત્ર ૫૦ પૈસામાં મળતી મેલડી આજે પણ એક જ રૂપિયામાં મળી જાય છે. 

NCP-SPના પ્રમુખ શરદ પવારે નરેન્દ્ર મોદીનાં કર્યાં વખાણ- વડા પ્રધાન દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારવા માટે કામ કરે છે

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતાં. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે કહ્યું હતું કે અમે ભલે રાજકીય દૃષ્ટિએ નરેન્દ્ર મોદી સાથે મતભેદ રાખતા હોઈએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે વડા પ્રધાન વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધારવા કામ કરી રહ્યા છે.

શરદ પવારે કહ્યું હતું કે જ્યારે પણ દેશહિત માટે એકજૂથ થઈને કામ કરવાની તક મળે ત્યારે બધાએ એકસાથે મળીને દેશની પ્રતિષ્ઠા મજબૂત કરવા આગળ આવવું જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી, પી. વી. નરસિંહ રાવ અને મનમોહન સિંહે પણ દેશના સન્માન અને ભવિષ્યને હંમેશાં કેન્દ્રમાં રાખ્યું હોવાનું શરદ પવારે જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 07:16 AM IST | italy | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK