કલકત્તામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮,૬૮૦ કરોડના પ્રોજેક્ટ્સનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં, કહ્યું...
કલકત્તામાં જનસભાને સંબોધી રહેલા નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી અને તેમણે કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૮,૬૮૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યાં હતાં. આ પ્રસંગે સભાને સંબોધતાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘જંગલરાજવાળાઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ નિર્દય સરકારનો અંત નજીક છે.’
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આર. એન. રવિ વડા પ્રધાનની સાથે સ્ટેજ પર હાજર હતા. વડા પ્રધાને લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘પહેલાં કૉન્ગ્રેસ, પછી કમ્યુનિસ્ટ અને હવે તૃણમૂલ કૉન્ગ્રેસ સત્તા પર આવીને પોતાનાં ખિસ્સા ભરતાં રહ્યાં છે. હવે આ પરિસ્થિતિ બદલવાનો સમય આવી ગયો છે. બંગાળના યુવાનોને બંગાળમાં કામ મળવું જોઈએ, યુવાનોએ બંગાળના વિકાસનું નેતૃત્વ કરવું જોઈએ.’
ADVERTISEMENT
જોકે કલકત્તામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૅલી પહેલાં ગિરીશ પાર્ક વિસ્તારમાં BJP અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે ભીડને વિખેરી નાખી હતી.
જોકે મમતા બૅનરજી સરકારના ઉદ્યોગ, વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન શશી પંજાએ આરોપ લગાવ્યો હતો કે ‘મારા પર ઈંટ ફેંકવામાં આવી હતી. BJPના કાર્યકરો ગુંડા નથી, તેઓ ખૂની છે.’
નરેન્દ્ર મોદીના ભાષણના પાંચ મુખ્ય મુદ્દા
BJP બંગાળને મહાન બનાવવા માટે કામ કરશે. યોગ્ય નીતિઓ અને ઇરાદાઓ સાથે રાજ્યનો વિકાસ થશે જેનો લાભ ખેડૂતો, યુવાનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને મળશે.
વર્તમાન રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચતી અટકાવે છે અને ભ્રષ્ટાચાર ગરીબોને તેમનો હક મેળવવાથી રોકે છે.
બંગાળમાં યુવાનોને સારું શિક્ષણ કે રોજગાર મળી રહ્યાં નથી. ખેડૂતો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ઘણા લોકોને કામ માટે અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
રાજ્યમાં ગુના વધી રહ્યા છે અને મહિલાઓ વિરુદ્ધની ઘટનાઓ ચિંતાનો વિષય છે. જો BJP સરકાર સત્તામાં આવશે તો ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પહેલાં કૉન્ગ્રેસ, પછી ડાબેરીઓ અને હવે તૃણમૂલ કૉન્ગ્રેસે રાજ્ય પર શાસન કર્યું છે; પરંતુ હવે પરિવર્તનનો સમય આવી ગયો છે. BJP સરકારની રચના સાથે સબકા સાથ ઔર સબકા વિકાસ હોગા ઔર સબકા હિસાબ કિયા જાએગા.
