પાયજામાની દોરી ખેંચવી એને બળાત્કારનો પ્રયાસ જ કહેવાય
પ્રતીકાત્મક તસવીર
અલાહાબાદ હાઈ કોર્ટે ગયા વર્ષે ૧૭ માર્ચે નિર્ણય આપ્યો હતો કે ૧૪ વર્ષની છોકરીનાં સ્તનને પકડવાં, તેના પાયજામાની દોરી ખેંચવી એ ફક્ત બળાત્કારની તૈયારી હતી, બળાત્કારનો પ્રયાસ નહીં
૧૪ વર્ષની છોકરીનાં સ્તનને પકડવાં, તેના પાયજામાની દોરી ખેંચવી ફક્ત બળાત્કારની તૈયારી હતી, બળાત્કારનો પ્રયાસ નહીં એવા અલાહાબાદ હાઈ કોર્ટના વિવાદાસ્પદ નિર્ણયને સુપ્રીમ કોર્ટે ઉલટાવી દીધો છે અને અલાહાબાદ હાઈ કોર્ટને ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પાયજામાની દોરી ખોલવી એ પણ બળાત્કારનો પ્રયાસ છે.
ADVERTISEMENT
અલાહાબાદ હાઈ કોર્ટના નિર્ણય પર કડક ટિપ્પણી કરતાં ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની જસ્ટિસ જૉયમલ્યા બાગચી અને
જસ્ટિસ એન. વી. અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે જાતીય અપરાધના કેસોમાં નિર્ણયો લેવા માટે કાનૂની તર્ક અને સહાનુભૂતિ બન્નેની જરૂર પડે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સ્તન પકડવાં અને પાયજામાની દોરી ખેંચવી એ બળાત્કારનો પ્રયાસ છે, અલાહાબાદ હાઈ કોર્ટના ૧૭ માર્ચના વિવાદિત ઑર્ડરને રદ કરવામાં આવે છે.
શું હતો કેસ?
૨૦૨૧ની ૧૦ નવેમ્બરે એક મહિલા તેની ૧૪ વર્ષની દીકરી સાથે નણંદના ઘરેથી પાછી ફરી રહી હતી એ સમયે તેના ગામમાં રહેતા આરોપીઓ પવન, આકાશ અને અશોક તેને મળ્યા હતા અને દીકરીને લિફ્ટ આપવાની ઑફર કરી હતી. ગામ જતી વખતે આરોપીઓએ મોટરસાઇકલ રોકી દીધી હતી અને ૧૪ વર્ષની સગીરની છેડતી કરવા લાગ્યા હતા. આકાશ તેને પુલની નીચે ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેના પાયજામાની દોરી ખેંચી હતી. છોકરીએ રડવાનું શરૂ કરતાં બે લોકો આવ્યા હતા અને તેથી આરોપીઓ નાસી ગયા હતા.
