દર વખતે ફરાર થઈને પાછી પહેલા પતિ પાસે આવી જતી અનુરાધા પાસવાનને પકડવા પોલીસે ડમી વરરાજાની મદદ લીધી અને ભોપાલથી તેને રંગેહાથ ઝડપી લીધી
આ કુખ્યાત ‘લુટેરી દુલ્હન’ને રાજસ્થાન પોલીસે મધ્ય પ્રદેશના ભોપાલમાંથી ઝડપી પાડી છે.
લગ્નની લાલચ આપીને, ભોળા યુવકોને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી એક કુખ્યાત ‘લુટેરી દુલ્હન’ને રાજસ્થાન પોલીસે મધ્ય પ્રદેશના ભોપાલમાંથી ઝડપી પાડી છે. ૨૩ વર્ષની અનુરાધા પાસવાન નામની આ યુવતીએ છેલ્લા આશરે ૭ મહિનામાં અલગ-અલગ રાજ્યોના પચીસ જેટલા પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં અને થોડા જ દિવસોમાં રોકડ, સોનાના દાગીના તેમ જ કીમતી સામાન સમેટીને ફરાર થઈ જતી હતી.
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં અનુરાધાની સાઝિશનો ભોગ બનેલા યુવકની ફરિયાદના આધારે પોલીસે છટકું ગોઠવીને આ ભેજાબાજ મહિલાને ભોપાલથી દબોચી લીધી છે.
ADVERTISEMENT
લગ્ન માટે રૂપિયા પડાવતી ગૅન્ગ
આ કારસ્તાન માત્ર અનુરાધાનું એકલીનું નહોતું, પરંતુ એક આખી ગૅન્ગનું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું હતું. આ સંગઠિત ગૅન્ગ લગ્ન કરવા ઇચ્છુક યુવકો અને તેમના પરિવારોને ટાર્ગેટ કરતી હતી. વચેટિયાઓ મારફત સંબંધ કરાવી આપવાના બહાને વરપક્ષ પાસેથી બે લાખથી પાંચ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. લગ્ન થયા પછી યુવતી સાસરે જતી અને પાંચથી ૧૫ દિવસ સુધી ખૂબ સારી પત્ની હોવાનો ઢોંગ કરતી હતી. ત્યાર બાદ પરિવારનો વિશ્વાસ જીતીને મોકો મળતાં જ ઘરમાં રાખેલી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને કીમતી સામાન લઈને રાતોરાત પલાયન થઈ જતી હતી.
સવાઈ માધોપુરના યુવકની ફરિયાદથી ભાંડો ફૂટ્યો
રાજસ્થાનના સવાઈ માધોપુરના રહેવાસી વિષ્ણુ શર્મા નામના યુવકે છેતરપિંડીનો ભોગ બન્યા બાદ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ રાજસ્થાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને કડીઓ જોડીને તપાસ શરૂ કરી હતી, જેમાં તેનું પગેરું ભોપાલ સુધી પહોંચ્યું હતું. ભોપાલમાં આ યુવતી અન્ય એક વ્યક્તિ સાથે રહેતી મળી આવી હતી, જે પણ અગાઉ આવી જ છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું કહેવાય છે.
ડમી વરરાજા બનાવીને રચાઈ જાળ
આ ભેજાબાજ લુટેરી દુલ્હનને પકડવા માટે પોલીસે ગુપ્ત ઑપરેશન હાથ ધર્યું હતું. પોલીસે પોલીસના જ એક માણસને ડમી વરરાજા બનાવીને દલાલો મારફત યુવતી સાથે સંબંધની વાત આગળ વધારી હતી. લૂંટના નવા ઇરાદા સાથે જેવી યુવતી જાળમાં ફસાઈ, તરત જ પોલીસે તેને ભોપાલમાંથી રંગેહાથ ઝડપી લીધી હતી. લગ્ન પછી યુવતી પોતાના પ્રથમ પતિ પાસે પાછી જતી હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ હવે આ સમગ્ર ગૅન્ગમાં સામેલ વચેટિયાઓ, નકલી સંબંધીઓ અને અન્ય સાગરીતો વિશે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
