ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે આ સંરક્ષણ કાનૂની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં એની તપાસ કરવી જરૂરી છે
ચીફ જસ્ટિસ સૂર્યકાંત
મુખ્ય ચૂંટણી-કમિશનર અને ચૂંટણી-કમિશનરોને કાનૂની કાર્યવાહીમાંથી આજીવન સુરક્ષા આપવાની કલમને પડકાર આપતી અરજી પછી સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. આ કલમ ચૂંટણી-કમિશનરોને સત્તાવાર દાયિત્વ નિભાવવા માટે કરેલાં કાર્યો માટે આજીવન કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે. કોર્ટે કેન્દ્ર સરકારને અને ચૂંટણીપંચને આ અરજી પર એમનો જવાબ આપવા કહ્યું છે.
કયા કાનૂનને પડકાર?
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટમાં અપાયેલી અરજીમાં મુખ્ય ચૂંટણી-કમિશનર અને ચૂંટણી-કમિશનરોને સુરક્ષા આપતા ૨૦૨૩ના બિલમાંની એક જોગવાઈને પડકાર અપાયો છે. અરજીકર્તા વકીલે કહ્યું હતું કે ‘ચૂંટણી-કમિશનરોને આજીવન અભૂતપૂર્વ કાનૂની સુરક્ષા ન આપી શકાય. આ ઇમ્યુનિટી સંવિધાનના નિર્માતાઓ અને ન્યાયાધીશોને પણ નથી આપવામાં આવી. સંસદ એવી ઇમ્યુનિટી ન આપી શકે જે સંવિધાનના નિર્માતાઓ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓને પણ ન અપાઈ હોય.’
ગઈ કાલે આ મામલો ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચીની સંયુક્ત બેઠકમાં રજૂ થયો હતો. ન્યાયાધીશોએ અરજી સ્વીકારીને કહ્યું હતું કે ચીફ ચૂંટણી-કમિશનર અને અન્ય ચૂંટણી-કમિશનરોને અપાયેલું સંરક્ષણ કાનૂની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં એના પર વિચાર કરવામાં આવશે.
અરજીકર્તાએ તો આ કાનૂન પર સ્ટે આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એને ફગાવી દેતાં બીજા પક્ષને સાંભળ્યા પછી જ કોઈ આદેશ આપવામાં આવશે એમ કહ્યું હતું.
રાહુલ ગાંધીએ ચૅલૅન્જ આપેલી
લોકસભામાં રાહુલ ગાંધીએ આ પહેલાં કહ્યું હતું કે ‘ચૂંટણીપંચને એવો વહેમ ન રહેવો જોઈએ કે આ કાયદો તેમને બચાવવાનો મોકો આપે છે. ચિંતા ન કરો, અમે એ કાયદાને પણ બદલીશું અને એ પણ પાછલી તારીખથી લાગુ થાય એ રીતે. એ પછી તમને શોધીને જવાબદાર ઠેરવીશું.’


