બળાત્કારનો ભોગ બનેલી ૧૫ વર્ષની બાળકીની ૩૧ અઠવાડિયાંની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની હિમાયત કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું આ; બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા કોઈ સમયમર્યાદા ન હોવી જોઈએ એમ જણાવીને કાયદામાં ફેરફાર કરવા સરકારને કરી વિનંતી
ફાઇલ તસવીર
બળાત્કારનો ભોગ બનેલી ૧૫ વર્ષની બાળકીની ૩૧ અઠવાડિયાંની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાના અગાઉના આદેશ સામે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દ્વારા દાખલ કરાયેલી ક્યુરેટિવ પિટિશન પર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. હાલમાં બળાત્કાર પીડિતાના કેસમાં ૨૦ અઠવાડિયાંની અંદર ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સરકારને હાલના કાયદામાં ફેરફાર કરવા વિનંતી કરતાં કહ્યું હતું કે જ્યારે બળાત્કારને કારણે ગર્ભાવસ્થા હોય ત્યારે સમયમર્યાદા ન હોવી જોઈએ.
કોર્ટે કહ્યું હતું કે ‘બળાત્કારનો ભોગ બનેલી ૧૫ વર્ષની પીડિતાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાનો નિર્ણય પીડિતા અને તેનાં માતાપિતાએ લેવો જોઈએ, તબીબી નિષ્ણાતો તેમને નિર્ણય લેવામાં મદદ કરે. ડૉક્ટરો દરદીઓ માટે નિર્ણય લઈ શકતા નથી. અમે વ્યક્તિગત પસંદગીનો આદર કરીએ છીએ અને રાજ્યએ પણ એમ કરવું જોઈએ.’
ADVERTISEMENT
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની આગેવાની હેઠળની બેન્ચે અવલોકન કર્યું હતું કે ‘બળાત્કારના પરિણામે સગીરને ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરવાથી અગાઉથી જ સહન કરાયેલી વેદનામાં વધારો થશે અને આજીવન માનસિક તાણ પડી શકે છે. આ ૧૫ વર્ષના બાળકની અનિચ્છનીય ગર્ભાવસ્થા છે. અનિચ્છનીય ગર્ભાવસ્થા કોઈ વ્યક્તિ પર દબાણ કરી શકાતી નથી. કલ્પના કરો કે તે એક બાળકી છે. તેણે હવે ભણવું જોઈએ, પરંતુ આપણે તેને માતા બનાવવા માગીએ છીએ. કલ્પના કરો કે આમાં બાળકે કેટલું દુઃખ અને અપમાન સહન કર્યું હશે.’
