૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યો છે
RJDની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમ્યાન આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી
રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ ગઈ કાલે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ૩૬ વર્ષના તેજસ્વી યાદવને ઔપચારિક રીતે પાર્ટીના નૅશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે બઢતી આપી હતી, જે પક્ષના નેતૃત્વમાં પેઢીગત પરિવર્તનનો સંકેત આપે છે. RJDની રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમ્યાન આ નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં પાર્ટી-સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે તેમના પુત્રને નિમણૂકપત્ર સોંપ્યો હતો. બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી બન્ને આ કાર્યક્રમમાં હાજર હતાં.
RJD પાસે અગાઉ નૅશનલ વર્કિંગ પ્રેસિડન્ટનું પદ નહોતું. આ પદની રચના અને તેજસ્વી યાદવની બઢતી પાર્ટીના સંગઠનાત્મક સેટઅપમાં માળખાકીય પરિવર્તન દર્શાવે છે. ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવ્યો છે. કૉન્ગ્રેસ સાથે મહાગઠબંધનનું નેતૃત્વ કરનારી પાર્ટી એણે લડેલી ૧૪૩ બેઠકોમાંથી ફક્ત ૨૫ બેઠકો જીતી શકી હતી.


