બેફામ બનેલા દવામાફિયાઓ પર લગામ લગાવવા માટે સરકારે નિષ્ણાતોની કમિટીની રચના કરી
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ ઍફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે કૅન્સરની તમામ દવાઓના વેચાણ પર ટ્રેડ માર્જિનનું કડક નિયમન કરવામાં આવશે. આ નિર્ણય ૮ ઑક્ટોબરે નૅશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઑથોરિટી (NPPA)ની ૧૫૧મી બેઠકમાં લેવાયો હતો. સરકારે આ વિશે ૧૫ દિવસમાં કૅન્સરની દવાઓનું નવું લિસ્ટ તૈયાર કરવા માટે એક નિષ્ણાત કમિટીની રચના કરી છે જે બજારની સ્થિતિ મુજબ સમયાંતરે અપડેટ કરવામાં આવશે.
સ્વાસ્થ્ય વિભાગે કોર્ટને માહિતગાર કરી હતી કે ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯થી ૪૨ જેટલી પસંદગીની નૉન-શેડ્યુલ્ડ કૅન્સરની દવાઓ પર ૩૦ ટકા ટ્રેડ માર્જિન કૅપ લાગુ કરવામાં આવી છે. આ નિયમ હેઠળ દવાની મૅક્સિમમ રીટેલ પ્રાઇસ (MRP) નક્કી કરેલા માર્જિનથી વધુ ન રાખી શકાય. સરકારે ખાતરી આપી હતી કે આ નિયમનથી દવાઓની અછત ન સર્જાય એ માટે માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) અને દવાઉત્પાદકો સાથે પૂરતો વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
હાલમાં દેશમાં ૩૮૮ જેટલી દવાઓનો નૅશનલ લિસ્ટ ઑફ એસેન્શિયલ મેડિસિન્સમાં સમાવેશ થાય છે. કૅન્સર જેવી ગંભીર બીમારીની સારવાર માટે આ દવાઓની ઉપલબ્ધતા જાળવવી અત્યંત મહત્ત્વની છે. આ કેસમાં ઍડિશનલ સૉલિસિટર જનરલ (ASG)ની વિનંતીથી સુપ્રીમ કોર્ટે હવે ૨૭ ઑક્ટોબરે વધુ સુનાવણી નક્કી કરી હતી.
