હત્યારાના સંબંધો પાકિસ્તાનના ઉગ્રવાદી સંગઠન સાથે હોવાનું બહાર આવ્યું, મૂળ વિલન એવા પાડોશીએ જ કન્હૈયાલાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને તેની દુકાનની રેકી કરનારાઓમાં પણ તે સામેલ હતો

ઉદયપુરમાં કન્હૈયાલાલની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. (તસવીર : પી.ટી.આઇ.)
ઉદયપુરમાં ક્રૂરતાપૂર્ણ રીતે કરવામાં આવેલી હત્યાની તપાસમાં કરાચીના સુન્ની સંગઠન દાવત-એ-ઇસ્લામી સાથેના બે આરોપીઓના સંબંધોનો ખુલાસો થયો છે, જે પાકિસ્તાનના બરેલવી તહરીક-એ-લબ્બૈક ઉગ્રવાદી સંગઠનની સાથે જોડાયેલું છે.
કન્હૈયાલાલની હત્યાના કેસમાં વધુ એક ખુલાસો થયો છે. નોંધપાત્ર છે કે નૂપુર શર્માના સપોર્ટમાં પોસ્ટ કરવા બદલ તેની હત્યા થઈ છે. જોકે તેને બરાબર સ્માર્ટફોન ચલાવતાં પણ આવડતું નહોતું. વિવાદાસ્પદ પોસ્ટ તેના દીકરાથી ભૂલથી મુકાઈ ગઈ હતી. વાસ્તવમાં કન્હૈયાલાલે મોતનો ભય પામીને સુરક્ષા માટે પોલીસમાં ફરિયાદ કરી હતી એમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેના પાડોશી નાઝિમે જ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને વૉટ્સઍપ ગ્રુપોમાં કન્હૈયાલાલની પોસ્ટને વાઇરલ કરી હતી એટલું જ નહીં, કન્હૈયાલાલની દુકાનની રેકી કરનારાઓમાં નાઝિમ પણ સામેલ હતો. બલકે નાઝિમે કન્હૈયાલાલને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેણે તેના સમાજના પ્રેશરમાં આવીને કન્હૈયાલાલની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને તે સારી રીતે જાણતો હતો કે કન્હૈયાલાલને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં આવડતું નથી.
આરોપીએ વિવાદ પહેલાં જ છરો તૈયાર કર્યો હતો
મંગળવારે ભીલવાડાના ૩૮ વર્ષના નિવાસી રિયાઝ અત્તરી અને ૩૯ વર્ષના ઉદયપુરના નિવાસી ગૌસ મોહમ્મદે પયગમ્બર મોહમ્મદ વિશેની બીજેપીનાં નેતા નૂપુર શર્માની કમેન્ટ્સને સપોર્ટ કરવા બદલ ટેલર કન્હૈયાલાલની હત્યા કરી હતી. અત્તરી એક વેલ્ડર છે કે જેણે પયગમ્બર વિશેની કમેન્ટનો વિવાદ થયો એના પહેલાં જ હત્યા માટે છરો તૈયાર કર્યો હતો.
આ બન્ને આરોપીઓ ઉદયપુરમાં ટેલરની હત્યા કર્યા બાદ અજમેર શરીફ ખાતે બીજો એક વિડિયો શૂટ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પોલીસે રાજસમંદ ખાતેથી તેમની ધરપકડ કરી હતી.
આ બન્ને હત્યારાએ હત્યા કરી એના પછી તરત જ એનો વિડિયો તેમના વૉટ્સઍપ ગ્રુપ પર મૂક્યો હતો, જે તરત જ વાઇરલ થઈ ગયો હતો. હત્યાના આ વિડિયોમાં આ બન્ને કટ્ટર ઇસ્લામિસ્ટ્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી હતી.
આ બન્ને હત્યારાની પૂછપરછમાં ખ્યાલ આવ્યો હતો કે તેઓ બન્ને સુન્ની ઇસ્લામના સૂફી-બરેલવી સંપ્રદાયના છે અને કરાચીમાં દાવત-એ-ઇસ્લામી સંગઠનની સાથે તેમનો ખાસ નાતો છે.
તેમના બન્નેના ભારતમાં મુસ્લિમ બ્રધરહુડ સહિત ઉગ્રવાદી સુન્ની સંગઠનોની સાથે સંબંધ છે કે નહીં એ જાણવા માટે તપાસ થઈ રહી છે. આ બન્નેની વિરુદ્ધ યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને હવે આ કેસ એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવ્યો છે.
ઉદયપુરમાં આ હત્યાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે, કેમ કે એનાથી ભારતમાં ઇસ્લામિક કટ્ટરતા વધી હોવાનો ખ્યાલ આવે છે.
પાકિસ્તાનના નંબરો પર વાતચીત
કેન્દ્ર સરકારે ગઈ કાલે એનઆઇએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને આ કેસમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એનઆઇએએ આતંકવાદ વિરોધી કાયદા યુએપીએ હેઠળ ફરીથી આ કેસ દાખલ કર્યો હતો. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આઠથી દસ મોબાઇલ નંબર ટ્રેસ કર્યા છે જેમનાં લોકેશન્સ ભારત સિવાય પાકિસ્તાનમાં બતાવાઈ રહ્યાં છે. રાજસ્થાનના ગૃહરાજ્યપ્રધાન રાજેન્દ્ર સિંહ યાદવે એવો પણ ખુલાસો કર્યો છે કે રિયાઝ અને ગૌસ મોહમ્મદ પાકિસ્તાન અને આરબ દેશોના લોકોના કૉન્ટૅક્ટમાં હતા. તેમની બંનેની પાકિસ્તાનના નંબરો પર પણ ખૂબ વાતચીત થતી રહેતી હતી. યાદવે એવો પણ દાવો કર્યો હતો કે આ બંનેએ કરાચીમાં ટ્રેઇનિંગ મેળવી હતી. તેઓ નેપાલના રસ્તેથી પાકિસ્તાનમાં ગયા હતા.
શું છે દાવત-એ-ઇસ્લામી?
દાવત-એ-ઇસ્લામી પોતાને બિનરાજકીય ઇસ્લામિક સંગઠન ગણાવે છે. ભારતમાં આ સંગઠન છેલ્લા ચાર દસકથી સક્રિય છે. શરિયા કાયદાનો પ્રચાર કરવો અને એના શિક્ષણને લાગુ કરવાનો એ એનો ઉદ્દેશ છે. અત્યારે ૧૦૦થી પણ વધારે દેશોમાં એનું નેટવર્ક ફેલાઈ ગયું છે. દાવત-એ-ઇસ્લામી પર અનેક વખત ધર્મપરિવર્તન કરાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
સમગ્ર રાજસ્થાનમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ
આ હત્યા બાદ રાજસ્થાનમાં તનાવ વ્યાપી ગયો છે, જેને ધ્યાનમાં રાખીને ઉદયપુરના અનેક વિસ્તારોમાં ગઈ કાલે પણ કરફ્યુ લાદવામાં આવ્યો હતો તેમ જ રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસિસ બંધ કરી દેવામાં આવી હતી.