નવા વર્ષના ગાળામાં થતા ધસારાને કારણે લેવાયો આ નિર્ણય
શ્રી માતા વૈષ્ણોદેવી
નવા વર્ષના સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો હોવાને કારણે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ગાઇડલાઇન્સમાં સુધારો કર્યો છે. સુધારેલા નિયમો હેઠળ શ્રદ્ધાળુઓએ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) કાર્ડ મેળવ્યાના ૧૦ કલાકની અંદર તેમની યાત્રા શરૂ કરવી પડશે અને ૨૪ કલાકની અંદર કટરા બેઝ કૅમ્પ પરત ફરવું પડશે. આ નવો નિયમ તાત્કાલિક ધોરણથી અમલમાં આવે છે.
આ ફેરફારોનો હેતુ ભવનની નજીક ભીડ અટકાવવા, અકસ્માતોનું જોખમ ઘટાડવા, ચડાણ અને ઉતરાણ બન્ને માટે નિયમો કડક બનાવવા અને ટ્રેક પર ક્રાઉડ-મૅનેજમન્ટ કરવા અને ઇમર્જન્સીમાં તત્કાળ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT
અગાઉ RFID કાર્ડ પ્રાપ્ત કર્યા પછી યાત્રા શરૂ કરવા માટે કોઈ કડક સમયમર્યાદા નહોતી. ભક્તો કોઈ પણ સમયે તેમની યાત્રા શરૂ કરી શકતા હતા અને દર્શન પછી તેઓ કેટલો સમય રોકાઈ શકે એના પર કોઈ નિયંત્રણો નહોતાં. ઘણા યાત્રાળુઓ ભવન વિસ્તારમાં ઘણા દિવસો સુધી રોકાયા હતા, જેના કારણે ઘણી વાર ટ્રેક પર ભારે ભીડ થતી હતી.
શ્રાઇન બોર્ડે જણાવ્યું હતું કે નવા નિયમોથી યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત બનશે; ટ્રેક પર ભીડ ઘટશે, બીમારી અથવા ખરાબ હવામાન જેવી કટોકટી દરમિયાન ઝડપી બચાવ કાર્યને સક્ષમ બનાવશે.
\આ નિયમો મહિલાઓ, બાળકો અને વૃદ્ધ શ્રદ્ધાળુઓ માટે ફાયદાકારક રહેશે. ટૂંકા રોકાણથી દર્શન ઝડપી બનશે અને રાહ જોવાનો સમય ઓછો થશે. બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે નવા નિયમનો ઉદ્દેશ્ય ભક્તોને અસુવિધા પહોંચાડવાનો નથી, પરંતુ નવા વર્ષના ધસારા વખતે સલામત દર્શન સુનિશ્ચિત કરવાનો છે.


