વિરાટ કોહલી બૅન્ગલોરમાં અને રોહિત શર્મા જયપુરમાં રમશે, ફાઇનલ સુધી ૧૩૫ જેટલી મૅચનો જબરદસ્ત રોમાંચ જોવા મળશે
બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં રિષભ પંત અને વિરાટ કોહલી પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ચર્ચા કરતા જોવા મળ્યા.
આજથી ભારતની ૫૦-૫૦ ઓવરની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીનો શુભારંભ થશે. આજે ૨૪ ડિસેમ્બરથી આગામી ૧૮ જાન્યુઆરી સુધી ૩૮ ટીમો વચ્ચે રોમાંચક જંગ જામશે. ૧૯૯૩થી ૨૦૦૨ સુધી આ ટુર્નામેન્ટ ઝોન-વાઇસ રમાતી હતી. ૨૦૦૨થી ટુર્નામેન્ટને વર્તમાન સ્વરૂપ મળ્યું હતું.
૨૦૦૭-’૦૮માં ટુર્નામેન્ટને ભારત, મહારાષ્ટ્ર અને બરોડા માટે ક્રિકેટ રમી ચૂકેલા દિવંગત પ્લેયર વિજય હઝારેનું નામ મળ્યું. એ અગાઉ આ ટુર્નામેન્ટ રણજી વન-ડે લીગ તરીકે ઓખળાતી હતી.
ADVERTISEMENT
૮ જાન્યુઆરી સુધી દરેક ટીમ પોતાની ૭-૭ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે. ૧૨થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન ૪ ક્વૉર્ટર ફાઇનલ મૅચ, ૧૫ અને ૧૬ જાન્યુઆરીએ બે સેમી ફાઇનલ મૅચ અને ૧૮ જાન્યુઆરીએ ફાઇનલ મૅચ રમાશે. ૩૨ એલીટ ટીમોને ૮-૮ના ૪ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે; જ્યારે પ્લેટ ગ્રુપમાં બિહાર સહિત નૉર્થ-ઈસ્ટનાં અન્ય પાંચ રાજ્યની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાઇનલ મૅચ સુધી ૧૩૫ જેટલી મૅચનો રોમાંચ જોવા મળશે.
વિરાટ કોહલી અને રોહિત શર્માની કરિશ્માઈ હાજરી
ભારતીય ક્રિકેટરો માટે ઓછામાં ઓછી બે વિજય હજારે ટ્રોફી મૅચ રમવાનું ફરજિયાત બનાવવાના ક્રિકેટ બોર્ડના નિર્ણય બાદ આ ટુર્નામેન્ટ ભારે ચર્ચામાં છે. અનુભવી બૅટર વિરાટ કોહલી દિલ્હી માટે અને રોહિત શર્મા મુંબઈ માટે શરૂઆતની બે મૅચ રમશે એવા અહેવાલ છે. છેલ્લે વિરાટ કોહલી ૨૦૦૯-’૧૦માં અને રોહિત શર્મા ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ રમ્યા હતા. વિરાટ કોહલી બૅન્ગલોરમાં અને રોહિત શર્મા જયપુરમાં રમતો જોવા મળશે.
દિલ્હીની મૅચ ચિન્નાસ્વામી સ્ટેડિયમથી સેન્ટર આૅફ એક્સલન્સમાં શિફ્ટ થઈ
વિરાટ કોહલીની દિલ્હીની ટીમ આજે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પોતાના વિજય હઝારે ટ્રોફી અભિયાનની શરૂઆત કરવાની હતી. જોકે આંધ્ર પ્રદેશ સામેની આ મૅચ પહેલાં કર્ણાટકના ગૃહવિભાગે આ મૅચ યોજવા માટે મંજૂરી આપી નહોતી. કર્ણાટક રાજ્ય ક્રિકેટ અસોસિએશને હાલમાં દર્શકોને મંજૂરી આપ્યા વિના મૅચ યોજવાની પરવાનગી માગી હતી. જોકે ગૃહવિભાગની તપાસ કમિટીએ સુવિધાનું નિરીક્ષણ કર્યાના એક દિવસ પછી સુરક્ષાનાં કારણોસર મંજૂરી આપવાનો ઇનકાર કરતાં મૅચ BCCIના સેન્ટર ઑફ એક્સલન્સમાં શિફ્ટ થઈ હતી. કર્ણાટક ક્રિકેટ બોર્ડને વિશ્વાસ છે કે થોડા સમયમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજય હઝારે ટ્રોફીની મૅચ યોજવા માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવશે.

જયપુરમાં રોહિત શર્મા અને સરફરાઝ ખાન એકસાથે બૅટિંગ-પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા
કઈ ટીમમાં કોણ કૅપ્ટન છે? કયા સ્ટાર પ્લેયર કઈ ટીમમાં?
શાર્દૂલ ઠાકુરના નેતૃત્વમાં રોહિત શર્મા, સરફરાઝ ખાન સહિતના સ્ટાર પ્લેયર્સ રમશે. દિલ્હી માટે રિષભ પંતના નેતૃત્વમાં વિરાટ કોહલી, નીતીશ રાણા, ઇશાન્ત શર્મા, નવદીપ સૈની, આયુષ બડોની રમશે. ઈશાન કિશન ઝારખંડની કમાન સંભાળશે. મયંક અગરવાલના નેતૃત્વમાં કર્ણાટક માટે કરુણ નાયર, કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા સ્ટાર પ્લેયર્સ રમશે.
નીતીશ કુમાર રેડ્ડી આંધ્ર પ્રદેશની કમાન સંભાળશે જેમાં ભારતના વિકેટકીપર-બૅટર શ્રીકર ભરતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બરોડાના કૅપ્ટન કૃણાલ પંડ્યાની નીચે હાર્દિક પંડ્યા અને જિતેશ શર્મા રમશે. બંગાળ માટે અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વમાં મોહમ્મદ શમી, મુકેશ કુમાર અને આકાશ દીપ રમશે. ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સી હેઠળ મહારાષ્ટ્ર માટે પૃથ્વી શૉ, રાહુલ ત્રિપાઠી રમશે. શુભમન ગિલ, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ અને પ્રભસિમરન સિંહ પંજાબ માટે ધમાલ મચાવશે.
ગુજરાત માટે સ્ટાર બોલર્સ હર્ષલ પટેલ અને રવિ બિશ્નોઈ રમશે અને ઉર્વિલ પટેલને વાઇસ-કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. અંશુલ કમ્બોજ અને રાહુલ તેવટિયા હરિયાણા તરફથી રમશે. કેરલા તરફથી સંજુ સૅમસન અને વિજ્ઞેશ પુથુર રમશે. વેન્કટેશન ઐયરને મધ્ય પ્રદેશની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. દીપક હૂડા, રાહુલ ચહર અને ખલીલ અહમદ રાજસ્થાન માટે રમશે. નારાયરન જગદીસનના નેતૃત્વમાં સાઈ કિશોર અને સાઈ સુદર્શન તામિલનાડુ માટે રમશે.
ધ્રુવ જુરેલ અને રિન્કુ સિંહ ઉત્તર પ્રદેશની સ્ક્વૉડમાં સામેલ છે. ચંડીગઢની કૅપ્ટન્સી મનન વોરાને મળી છે. શશાંક સિંહ છત્તીસગઢની સ્ક્વૉડમાં સામેલ છે. ગોવા માટે અર્જુન તેન્ડુલકર મૅચ રમતો જોવા મળશે. વિજય શંકર અને હનુમા વિહારી ત્રિપુરાની સ્ક્વૉડમાં સામેલ છે.


