Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પહેલી વાર ગાવામાં આવશે વંદે માતરમ‍્

૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પરથી પહેલી વાર ગાવામાં આવશે વંદે માતરમ‍્

Published : 11 August, 2026 09:47 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વતંત્રતાદિનની ઉજવણીમાં આ વખતે જેન-ઝીને મળશે પ્રભુત્વ, યુવાશક્તિને કરવામાં આવશે સન્માનિત

લાલ કિલ્લો

લાલ કિલ્લો


ભારતનો ૮૦મો સ્વતંત્રતાદિવસ ૧૫ ઑગસ્ટે ઊજવવામાં આવશે, જેમાં પ્રથમ વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‍્’ ગાવામાં આવશે. આ વખતે જેન-ઝીને લાલ કિલ્લા પર પ્રભુત્વ આપવામાં આવશે. સ્વતંત્રતાદિવસની ઉજવણીમાં તેમના યોગદાન બદલ યુવા શક્તિને પણ સન્માનિત કરવામાં આવશે. આ સંદર્ભમાં સંરક્ષણ સચિવ કુમાર સિંહે એક પ્રેસ-બ્રીફિંગમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી ૮૦મા સ્વતંત્રતાદિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ સમારોહમાં ‘વંદે માતરમ‍્’ની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઊજવવામાં આવશે. લાલ કિલ્લા પરથી પહેલી વાર ‘વંદે માતરમ‍્’ ગવાશે. આમંત્રિતો માટે મેટ્રો સર્વિસ સવારે ૪ વાગ્યાથી મફત ઉપલબ્ધ થશે. સ્વયંસેવકો, વ્હીલચૅર, ક્લોક રૂમ, પીવાનું પાણી, શૌચાલય અને રેઇનકોટ જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

બીજું શું ખાસ?



આ કાર્યક્રમમાં પરમાણુ ઊર્જા, અવકાશ સંશોધન અને નવી ટેક્નૉલૉજીમાં ભારતની પ્રગતિ દર્શાવવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, કારીગરો અને યુવા સિદ્ધિઓને ખાસ મહેમાનો તરીકે સન્માનિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિયાડમાં મેડલ જીતનારા ઓગણીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. 


કેરલમ બાદ તામિલનાડુમાં પણ વંદે માતરમ‍્ સામે વિરોધ: તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની જાહેરાત : બીજું કોઈ ગીત પછી, તામિલ થાઈ વઝથુ સૌથી પહેલાં ગાવામાં આવશે

કેરલમમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ સંપૂર્ણ રીતે ગાવા વિશેનો રાજકીય હોબાળો શમ્યો નથી ત્યારે હવે તામિલનાડુમાં પણ સરકારી કાર્યક્રમોના પ્રોટોકૉલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય તામિલનાડુ વિધાનસભામાં સર્વાનુમતે એક ખાસ ઠરાવ રજૂ કરશે જેમાં કહેવામાં આવશે કે રાજ્યના સરકારી, શૈક્ષણિક કે સંસ્થાકીય કાર્યક્રમોમાં કોઈ પણ અન્ય ગીત પહેલાં ‘તમિલ થાઈ વઝથુ’ ગાવું જોઈએ. મુખ્ય પ્રધાન વિજયનો આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારે તાજેતરમાં ‘વંદે માતરમ્’ને પ્રમોટ કર્યાના થોડા દિવસો પછી આવ્યો છે જેને તામિલનાડુની ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખની પરોક્ષ અભિવ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યો છે. પ્રસ્તાવિત પ્રોટોકૉલ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય રાજ્ય-સંચાલિત સંસ્થાઓમાં યોજાતા કાર્યક્રમો પર લાગુ થવાની અપેક્ષા છે. પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ આવા કાર્યક્રમોની શરૂઆતમાં ‘તમિલ થાઈ વઝથુ’ ગાવામાં આવશે. કેન્દ્ર સરકારે ‘વંદે માતરમ્’ માટે વિગતવાર પ્રોટોકૉલ જાહેર કર્યો છે. સરકારી માર્ગદર્શિકા અનુસાર ‘વંદે માતરમ્’નું ૬ શ્ળોકો ધરાવતું સંપૂર્ણ સત્તાવાર સંસ્કરણ મુખ્ય રાજ્ય કાર્યક્રમો દરમ્યાન રજૂ કરવું અથવા વગાડવું જોઈએ. એના માટે ૩ મિનિટ ૧૦ સેકન્ડ લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 09:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK