સંગીતાએ દાવો કર્યો હતો કે તેને ૨૦૨૧માં ખબર પડી હતી કે વિજય કથિત રીતે એક ઍક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર ધરાવે છે
વિજય અને સંગીતાનાં લગ્ન ૧૯૯૮માં યુનાઇટેડ કિંગડમમાં નોંધાયાં હતાં
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયની પત્ની સંગીતાએ લોઅર કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે, જેના પરિણામે આ કેસ બંધ થઈ ગયો છે. ગઈ કાલે આ કેસની અરજી પર સુનાવણી થઈ ત્યારે સંગીતા વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઈ હતી અને કેસ ન ચલાવવાનાં કારણો સમજાવ્યાં હતાં. ત્યાર બાદ કોર્ટે કેસ બંધ કર્યો હતો. બન્નેનાં લગ્ન ૧૯૯૯માં થયાં હતાં અને ૨૭ વર્ષ પછી આ સંબંધ તૂટવાના આરે હતો.
૧૫ જૂને સ્થાનિક કોર્ટે વિજય અને તેની પત્નીના છૂટાછેડાની કાર્યવાહી મુલતવી રાખી હતી અને આગામી સુનાવણી ૭ ઑગસ્ટે નક્કી કરી હતી.
ADVERTISEMENT
૨૦૨૬ના ફેબ્રુઆરી મહિનામાં સંગીતાએ સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ, 1954 હેઠળ ચેંગલપટ્ટુ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી જેમાં તેમનાં લગ્ન રદ કરવાની માગણી કરવામાં આવી હતી. છૂટાછેડાની અરજીમાં લગ્નેતર સંબંધ, માનસિક ક્રૂરતા, ઉપેક્ષા અને ત્યાગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર સંગીતાએ દાવો કર્યો હતો કે તેને ૨૦૨૧માં ખબર પડી હતી કે વિજય કથિત રીતે એક ઍક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા-મૅરિટલ અફેર ધરાવે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે આ રિલેશનશિપમાં રહીને મને માનસિક સમસ્યાઓ થઈ હતી.
અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે વિજય તેના પરિવારથી દૂર થઈ ગયો હતો, તે પત્ની સંગીતાને તેના વ્યાવસાયિક અને જાહેર કાર્યક્રમોથી દૂર રાખતો હતો અને ભાવનાત્મક, શારીરિક અને નાણાકીય સહાય આપવાનું બંધ કર્યું હતું.
વિજય અને સંગીતાનાં લગ્ન ૧૯૯૮માં યુનાઇટેડ કિંગડમમાં નોંધાયાં હતાં અને પછી ૧૯૯૯માં ચેન્નઈમાં વિધિવત્ રીતે પૂરાં થયાં હતાં. તેમને જેસન સંજય અને દિવ્યા સાશા નામનાં બે બાળકો છે.
