Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વસઈ-વિરારમાં હાલત બદતર: બહાર પાણી જ પાણી, ઘરમાં ટાંકી ખાલી

વસઈ-વિરારમાં હાલત બદતર: બહાર પાણી જ પાણી, ઘરમાં ટાંકી ખાલી

Published : 07 July, 2026 08:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વસઈ-વિરારના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વસઈ સ્ટેશનની બહાર જ છાતી સુધી પાણી ભરાઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વસઈ-વિરારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું હતું.

વસઈ-વિરારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું હતું.


વસઈ-વિરારમાં ભારે પવન સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદનું ગઈ કાલે રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. વસઈ-વિરારના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. વસઈ સ્ટેશનની બહાર જ છાતી સુધી પાણી ભરાઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઝાડ તૂટીને ઇલેક્ટ્રિક સપ્લાયના વાયર પર પડતાં વીજળીની સપ્લાય બંધ થઈ ગઈ હતી. એને કારણે પાણીના પમ્પ બંધ થઈ જતાં પાણી ટેરેસ પરની ટાંકીમાં ચડાવી ન શકાતાં અનેક લોકોએ પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. કેટલીક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલની પાણીની ટાંકીમાં ભરેલા પાણી સાથે ગંદું પાણી મિક્સ થતાં એ પાણી વાપરવા જેવું નહોતું રહ્યું. આમ ચારેકોર પાણી જ પાણી હતું, પણ ઘરમાં પાણીની ટાંકી ખાલી હતી જેવી વિરોધાભાસી પરિસ્થિતિનો સામનો વસઈ–વિરારના રહેવાસીઓએ કરવો પડ્યો હતો. 

મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ પણ ઠપ
ભારે વરસાદને કારણને જે લોકો વર્ક ફ્રૉમ હોમ કરી શકે એમ હતા તેમણે ઘરે રહીને ઑફિસનું કામ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પણ ઇલેક્ટ્રિસિટી નહોતી એટલે ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું. મોબાઇલનું નેટવર્ક પણ જતું રહ્યું હતું એટલે તેમને કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલ અને કૉલેજો તો બંધ જ હતી, પણ હાયર સ્ટડીઝ કરતા કૉલેજના વિદ્યાર્થીઓ અને કૉમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા સ્ટુડન્ટ્સે પણ ઇન્ટરનેટ ન મળતાં હેરાનગતિ ભોગવવી પડી હતી. 



૨૪ કલાકમાં ૭૦ ઝાડ પડ્યાંસુસવાટા મારતા પવનને કારણે વસઈ-વિરારમાં ૨૪ કલાકમાં ૭૦ ઝાડ તૂટી પડ્યાં હતાં. ઘણાં ઝાડ બેઠા ઘાટના ઘર પર પડવાને કારણે ઘરની છતોને પણ 
નુકસાન થયું હતું. ઘણાં ઝાડ તૂટીને ઇલેક્ટ્રિસિટીના વાયરો પર પડતાં એના વજનથી થાંભલા જ પડી જતાં મુસીબતમાં વધારો થયો હતો. ભારે અને હેવી ઝાડની ડાળીઓ રસ્તા પર તૂટી પડતાં રસ્તા બ્લૉક થઈ ગયા હતા. એ ડાળીઓ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કર્મચારીઓએ કટર મશીનથી કાપવી પડી હતી. કેટલીક જગ્યાએ વીજળી નહોતી ત્યાં કુહાડીથી ઝાડની ડાળીઓ કાપીને એ દૂર કરીને રસ્તો ક્લિયર કરવો પડ્યો હતો.


વસઈ અને વિરારમાં ૧૨ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ

વસઈ-વિરારમાં ૧૨ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ વરસતાં બધે જ પાણી-પાણી થઈ ગયું હતું. એને લીધે વસઈ-વિરારના લોકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે-ટ્રૅક પર પાણી ફરી વળવાને કારણે અને હાઇવે બહુ જ દૂર હોવાથી બીજો વિકલ્પ ન હોવાથી ઘણા લોકો ટ્રૅક પર ચાલીને નેક્સ્ટ સ્ટેશન પહોંચ્યા હતા. વસઈ-વિરારના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હોવાથી રિક્ષા, ટૅક્સી અને બસ અટકી જતાં આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ફસડાઈ પડી હતી. 


ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પડી ભાગતાં એની અસર જીવનાવશ્યક વસ્તુઓની સપ્લાય પર પડી હતી. દૂધ અને શાકભાજીની તીવ્ર અછત સર્જાઈ હતી. 

નીચાણવાળા ભાગોમાં ઘરમાં અને ઘણાં મકાનોના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પર પાર્ક કરાયેલાં વાહનો અને બેઝમેન્ટમાં પાર્ક કરાયેલાં વાહનો પણ પાણીમાં અડધા કરતાં વધુ ડૂબી જવાથી વાહનોને પણ બહુ જ નુકસાન થયું હતું. 

દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓનો માલ ખરાબ થઈ જવાથી તેમને પણ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.  

વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના હેડક્વૉર્ટરમાં જ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયાં હતાં. વળી જે વિસ્તારોમાં અત્યાર સુધી પાણી ભરાતાં નહોતાં એવા પૉશ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં લોકો સુધરાઈના કારભારને ગાળો ભાંડી રહ્યા હતા. વસઈ-વિરારના ગ્રામીણ વિસ્તારમાં પોમણ ગામ અને મોરી ગામના લોકોની હાલત વધુ કફોડી હતી. તેમનો સંપર્ક તૂટી ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 08:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK