આ પંખીઓનો અને પોતાનો ગુજારો ચલાવવા માટે રોજર્સ ડમ્પિંગ સાઇટમાંથી રીસાઇકલ થઈ શકે એવું પ્લાસ્ટિક એકઠું કરીને વેચવાનું કામ કરે છે
રોજર્સ ઓલુ મગુથા
કેન્યાના નાઇરોબીમાં ૨૮ વર્ષનો રોજર્સ ઓલુ મગુથા નામનો યુવાન બર્ડમૅન તરીકે ઓળખાય છે. આ ભાઈ એકદમ તૂટીફૂટી ઝૂંપડી જેવા ઘરમાં રહે છે, પરંતુ એમાં મહેમાનોની સંખ્યા ખૂબબધી છે. એક સમયે નાઇરોબીના રોડ પર સાવ બેઘર થઈને રહેતા રોજર્સે પંખીઓને પોતાના દોસ્ત બનાવ્યાં છે. રસ્તા પર ક્યાંય પણ જંગલી કે સાદાં પંખીઓ ઘાયલ પડ્યાં હોય તો આ ભાઈ એને પોતાના ઘરે લઈ આવે છે. તેના ઘરમાં આ પંખીઓ ખુલ્લાં ફરે છે. પંખીનો ઇલાજ કરાવીને એને સાજા કર્યા પછી છુટ્ટું મૂકી દે છે. નવાઈની વાત એ છે કે મોટા ભાગનાં પંખીઓ તેની સાથે જ રહેવાનું પસંદ કરે છે. આ પંખી તે જ્યારે બહાર ફરવા જાય ત્યારે તેના ખભે અને માથે બેસીને તેની સાથે ફરવા પણ જાય છે. ક્યારેક તો અત્યંત દુર્લભ પંખીની પ્રજાતિઓને પણ તે જાળવી લે છે. વર્ષોથી આ કામ કરતો હોવાથી કેન્યા સરકારે તેને બર્ડ કન્ઝર્વેટરનો દરજ્જો આપ્યો છે અને પાડોશીઓ તેને નાઇરોબીનો બર્ડમૅન કહે છે. તેના ઘરમાં કબૂતર, કાગડા, ઘુવડ, બાજ, બ્લૅક કાઇટ અને ગીધ જેવાં પંખીઓ પણ જોવા મળી જાય છે. આ પંખીઓનો અને પોતાનો ગુજારો ચલાવવા માટે રોજર્સ ડમ્પિંગ સાઇટમાંથી રીસાઇકલ થઈ શકે એવું પ્લાસ્ટિક એકઠું કરીને વેચવાનું કામ કરે છે. તે નદીઓના કચરાને સાફ કરે છે અને મોટા ભાગે તેને આ જગ્યાઓએ ઘાયલ અને મરવાની અણીએ હોય એવાં પંખીઓ મળી આવે છે.
