લેખકે પુસ્તકનું અનાવરણ કરતી વખતે એનું મુખપૃષ્ઠ બધાને દેખાડ્યું હતું, પરંતુ કોઈને એ પુસ્તકનાં પાનાં ફેરવવા નહોતાં દીધાં
લેખકે પુસ્તકનું અનાવરણ કરતી વખતે એનું મુખપૃષ્ઠ બધાને દેખાડ્યું હતું
બિહારના પટનામાં રવિવારે યોજાયેલા એક પુસ્તકમેળામાં ‘મૈં’ ટાઇટલ ધરાવતું પુસ્તક એની કન્ટેન્ટ કરતાં કિંમત માટે વધુ ચર્ચામાં રહ્યું હતું. એની કિંમત ૧૫ કરોડ રૂપિયા લખવામાં આવી હતી. દાવો કરવામાં આવે છે કે આ દુનિયાનું સૌથી મોંઘું પુસ્તક છે, કેમ કે એની લેખનપ્રક્રિયા ખૂબ વિશિષ્ટ છે. લેખક રત્નેશ્વરનો દાવો છે કે ૪૦૮ પાનાંના આ પુસ્તક બ્રહ્મમુહૂર્તના ત્રણ કલાક ૨૪ મિનિટમાં લખવામાં આવ્યું છે અને એ દરમ્યાન તેમને બ્રહ્મલોકયાત્રા જેવો અનુભવ થયો હતો. ૨૦૦૬માં ૬ અને ૭ સપ્ટેમ્બરે બ્રહ્મમુહૂર્તના સમયે એ પુસ્તક લખવામાં આવ્યું હતું. એમાં ૪૩ અધ્યાય છે અને એ મનુષ્યની માનવાથી જાણવા સુધીની યાત્રા પર કેન્દ્રિત છે. લેખકે પુસ્તકનું અનાવરણ કરતી વખતે એનું મુખપૃષ્ઠ બધાને દેખાડ્યું હતું, પરંતુ કોઈને એ પુસ્તકનાં પાનાં ફેરવવા નહોતાં દીધાં. એને કારણે દર્શકો અને સાહિત્યપ્રેમીઓમાં અનેક અટકળો શરૂ થઈ હતી. લોકો જાણવા માગે છે કે આખરે ૧૫ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા આ પુસ્તકમાં એવું તે શું છે કે લેખક કોઈને જોવાની પરવાનગી નથી આપતા. લેખક રત્નેશ્વરનું કહેવું છે કે આ પુસ્તક તેમના આધ્યાત્મિક અનુભવ, ધ્યાનની અવસ્થા અને રાસલીલા પ્રત્યેના સાક્ષાત્કાર પર આધારિત છે. આ પુસ્તક દુખોનો અંત આણીને ઈશ્વરદર્શનના માર્ગને સમજાવે છે. અત્યારે તો પુસ્તકની માત્ર ત્રણ જ પ્રત તૈયાર કરવામાં આવી છે. લેખકની ઇચ્છા છે કે આ પુસ્તક માત્ર ૧૧ ખાસ વ્યક્તિઓને જ આપવામાં આવે. જોકે એ ૧૧ વ્યક્તિ કોણ હશે એની શોધખોળ ચાલી રહી છે. ખરેખર આ પુસ્તક કોઈ સાહિત્યિક ચમત્કાર છે કે માર્કેટિંગ ગિમિક?


