દિલ્હીમાં નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ રોડ પર દોડતી ગાડીઓની સ્પીડ માપતાં સેન્સર્સ ગોઠવ્યાં છે
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)એ રોડ પર દોડતી ગાડીઓની સ્પીડ માપતાં સેન્સર્સ ગોઠવ્યાં છે. એ સેન્સરની નીચેથી પસાર થતી દરેક ગાડીની સ્પીડ એમાં ડિસ્પ્લે થતી હોય છે. જોકે એક ટીનેજરે ગાડીઓની સ્પીડ માપતા હાઇવે પર પોતાની દોડવાની સ્પીડ માપી હતી. તે ફુલ સ્પીડમાં દોડતો-દોડતો આ સ્પીડોમીટર ડિવાઇસની નીચેથી દોડીને જાય છે અને ડિસ્પ્લેમાં બાવીસથી ૨૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે છે. આ જોઈને છોકરો ખુશ થઈ જાય છે. ટીનેજરની આ હરકત પહેલી નજરે માસૂમ લાગે, પણ હાઇવે પર આવું કરવું જોખમથી ખાલી નથી એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે. ૧૧ લાખથી વધુ વ્યુઝ મેળવી ચૂકેલા આ વિડિયોને ટૅગ કરીને હાઇવે ઑથોરિટીએ ચેતવણી આપી છે કે ઍક્ટિવ હાઇવે પર આવો સ્ટન્ટ કરવાનું બહુ રિસ્કી છે.


