આ લૉલીપૉપ ઑલરેડી વેચાવા નીકળી છે જે ૮૦૦ રૂપિયામાં મળી શકે છે
આ છે એ લૉલીપૉપ
અમેરિકાના લાસ વેગસમાં એક ઇલેક્ટ્રૉનિક શોમાં લૉલીપૉપ સ્ટાર નામની મ્યુઝિકલ લૉલીપૉપ લૉન્ચ થઈ છે. એ આમ તો સામાન્ય લૉલીપૉપની જેમ મોંમાં મૂકીને ચગળવાની છે. જોકે એ મોંમાં ચળગવાથી મગજમાં ગીતો વાગવા લાગે છે. એ લૉલીપૉપમાં એક સ્ટિક હોય છે જેની અંદર બૅટરી હોય છે. એ વાઇબ્રેશન મૉડ્યુલ પર કામ કરે છે. તમે લૉલીપૉપને મોંમાં મૂકીને ચૂસો એટલે એમાં વાઇબ્રેશન્સ થવા લાગે. આ વાઇબ્રેશન્સ જડબાનાં હાડકાંઓથી થઈને કાનની અંદરના હિસ્સા સુધી અવાજ પહોંચાડે છે. આ અવાજની ક્લૅરિટી બહુ નથી હોતી, પરંતુ સ્વાદની સાથે સૂરનું સંયોજન ખૂબ અનોખું છે. એ લૉલીપૉપ સ્ટિકમાં આઇસ સ્પાઇસ, ઍકોન અને અરમાની વાઇટ જેવા કલાકારોનાં ગીતો પ્રી-લોડેડ હોય છે. દરેક ફ્લેવર અલગ-અલગ આર્ટિસ્ટનું ગીત વગાડે છે. જોકે સવાલ એ છે એક સ્વાદિષ્ટ લૉલીપૉપને સુરીલી બનાવવાની મહેનત વૈજ્ઞાનિકોએ કેમ કરી? તો એનો જવાબ એ છે કે કૅન્ડી ખાતી વખતે કૉન્સર્ટ જેવો અનુભવ આપવા માટેની આ બધી મથામણ છે. આ લૉલીપૉપ ઑલરેડી વેચાવા નીકળી છે જે ૮૦૦ રૂપિયામાં મળી શકે છે. જોકે આ સિંગલ યુઝ માટેની લૉલીપૉપ જ છે. એક વાર અંદરની પીપર ચુસાઈ ગઈ એ પછી નકામી થઈ જાય છે.


