અંતરીક્ષમાંથી લેવામાં આવેલી એક અદ્ભુત તસવીર અને વિડિયોએ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ નઝારો મધ્ય એશિયાના કિર્ગિસ્તાન દેશમાં આવેલા ‘લેક ઈસિક-કૂલ’ નામના વિશાળ પર્વતીય સરોવરનો છે.
૧૧૮ નદીઓ ઠલવાય છે પણ એક પણ બહાર નીકળતી નથી : અંતરીક્ષથી કેદ થયું કિર્ગિસ્તાનનું અદ્ભુત ઈસિક-કૂલ સરોવર
અંતરીક્ષમાંથી લેવામાં આવેલી એક અદ્ભુત તસવીર અને વિડિયોએ દુનિયાભરના વૈજ્ઞાનિકો અને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ નઝારો મધ્ય એશિયાના કિર્ગિસ્તાન દેશમાં આવેલા ‘લેક ઈસિક-કૂલ’ નામના વિશાળ પર્વતીય સરોવરનો છે. ટીયન શાન પર્વતમાળાની ગોદમાં સમુદ્રની સપાટીથી આશરે ૧૬૦૭ મીટરની ઊંચાઈએ આવેલા આ સરોવરની વિશેષતા એ છે કે એમાં કુલ ૧૧૮થી વધુ નાની-મોટી નદીઓનું મિલન થાય છે, પરંતુ જાણે એ પાતાળમાં સમાઈ જતી હોય એમ અહીંથી એક પણ નદી બહાર નીકળતી નથી જે બાબત આશ્ચર્ય પમાડે એવી છે.
ઇન્ટરનૅશનલ સ્પેસ-સ્ટેશન પરથી કૅમેરા દ્વારા આ અદ્ભુત દૃશ્ય કેદ કરવામાં આવ્યું છે. ચારે બાજુ બરફથી આચ્છાદિત ઊંચા પર્વતોથી ઘેરાયેલું આ ક્લોઝ્ડ બેસિન એટલે કે બંધ જળાશય વૈજ્ઞાનિકો માટે ગ્લેશિયર્સ, બાષ્પીભવન અને જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. અંતરીક્ષમાંથી આસપાસના બર્ફીલા પહાડો વચ્ચે ચમકતું આ સરોવર ખૂબ જ મનોહર દેખાય છે.
