રામાયણનાં પાત્રો પોતપોતાની વિશેષતા માટે આજે પણ લોકજીભે છે. એમાંના એક પાત્ર કુંભકર્ણને આપણે છાશવારે યાદ કરીએ છીએ.
અજબગજબ
આનંદીબહેન પટેલ
રામાયણનાં પાત્રો પોતપોતાની વિશેષતા માટે આજે પણ લોકજીભે છે. એમાંના એક પાત્ર કુંભકર્ણને આપણે છાશવારે યાદ કરીએ છીએ. કોઈ બહુ ઊંઘતું હોય તો તેને કુંભકર્ણની ઉપમા આપી દઈએ છીએ કે પછી સરકારી તંત્ર કામ કરતું ન હોય તો એને પણ આપણે કુંભકર્ણ કહી દઈએ છીએ, પરંતુ ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનું કહેવું છે કે કુંભકર્ણ ઊંઘણશી નહોતો. લખનઉમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી લૅન્ગ્વેજ યુનિવર્સિટીના નવમા દીક્ષાંત સમારોહમાં તેમણે આ વાત કહી હતી. કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતે આનંદીબહેનના દીક્ષાંત પ્રવચનના આ ભાગનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર મૂક્યો છે. વિદ્યાર્થીઓને સંબોધીને આ વિડિયોમાં આનંદીબહેન કહે છે, ‘દશાનન રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ ૬ મહિના સુધી સૂઈ રહેતો હોવાની વાત સ્વયં રાવણે જ ઉપજાવી કાઢેલી. ખરેખર તો કુંભકર્ણ ટેક્નૉક્રેટ હતો અને ૬ મહિના સુધી લૅબોરેટરીમાં રહીને જાતજાતનાં યંત્રો બનાવતો હતો. લંકામાંથી આ ટેક્નિક બહાર ન જાય એ માટે રાવણે જ કુંભકર્ણને પ્રયોગશાળામાંથી બહાર આવવાની ના પાડી હતી. રાવણે કયા વિમાન (પુષ્પક વિમાન)માં સીતાનું હરણ કર્યું હતું એ પણ લોકોને ખબર નહીં હોય. આપણાં પુસ્તકાલયો ભારતીય જ્ઞાનપરંપરાનાં પ્રાચીન પુસ્તકોથી ભરેલાં છે. તમારે એનો અભ્યાસ કરવો જોઈએ. સાથોસાથ સૌકોઈ ભારતના સમૃદ્ધ જ્ઞાન વિશે જાણી શકે એ માટે આ પુસ્તકોનો વિવિધ ભાષામાં અનુવાદ થવો જોઈએ.’