ચંદનના વૃક્ષના સંરક્ષણ માટે કર્ણાટક સરકારે તેમને ચંદન શિરોમણિ અવૉર્ડથી સન્માનતિ પણ કર્યા હતા.
એન.જી. કેસરી
બૅન્ગલોરમાં વાવાઝોડા દરમ્યાન એક ચંદનનું ઝાડ તૂટી પડ્યું હતું. સામાન્ય રીતે વાવાઝોડામાં વૃક્ષો પડી જાય ત્યારે જાન-માલની હાનિના જ સમાચાર આવે છે. જોકે ૪૦ વર્ષ જૂનું આ ઝાડ તૂટી પડવાથી એની સારસંભાળ રાખનારા ૮૫ વર્ષના એન.જી. કેસરી નામના ભાઈને તો બખ્ખાં થઈ ગયાં. આ વૃક્ષના લાકડાને વેચીને તેમને ૨૮ લાખ રૂપિયા મળ્યા હતા. દાદાના ઘરના આંગણામાં આ વૃક્ષ લગભગ ચાર દાયકા પહેલાં ઊગી નીકળ્યું હતું અને દાદાએ એની સંભાળ રાખી હતી. ચંદનના વૃક્ષનું રક્ષણ કરવાનું સરળ નથી. ચંદનના ઘટાદાર વૃક્ષને કારણે દાણચોરોનું ધ્યાન ખેંચાયું હતું એટલે દાદાએ ઝાડની ફરતે લોખંડનું મજબૂત પાંજરું ગોઠવ્યું હતું જેને કારણે એનું રક્ષણ થતું હતું. જોકે આ વર્ષે જૂન મહિનામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ આપમેળે પડી ગયું હતું. દાદાએ આ લાકડાને જાતે વેચવાને બદલે વનવિભાગને જાણ કરી હતી. તમામ પરવાનગીઓ મેળવ્યા પછી આ વૃક્ષના લાકડાને મૈસુરના સરકારી ચંદન ડેપોમાં લઈ જવામાં આવ્યું. લગભગ એક ટન વજન ધરાવતા આ વૃક્ષના લાકડા માટે તેમને ૨૮ લાખ રૂપિયા મળ્યા હતા. એટલું જ નહીં, ચંદનના વૃક્ષના સંરક્ષણ માટે કર્ણાટક સરકારે તેમને ચંદન શિરોમણિ અવૉર્ડથી સન્માનતિ પણ કર્યા હતા.
