બૅન્ગલોરના બારમામાં ભણતા સ્ટુડન્ટે કન્ટેનરમાં બનાવી દીધી સ્કૂલ, શ્રમિકોનાં બાળકોને ભણાવવા પોર્ટેબલ ક્લાસરૂમ તૈયાર કર્યો
શ્રમિકોનાં બાળકોને ભણાવવા પોર્ટેબલ ક્લાસરૂમ
મકાન અને બહુમાળી ઇમારતોનું નિર્માણ કરતા પરપ્રાંતીય શ્રમિકો કામની શોધમાં વારંવાર એક સાઇટ પરથી બીજી સાઇટ પર સ્થળાંતર કરતા હોય છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ બૅન્ગલોરની ઇન્વેન્ચર ઍકૅડેમીના બારમા ધોરણમાં ભણતા દિવિત ગર્ગ નામના વિદ્યાર્થીએ શોધી કાઢ્યો છે. તેણે માલસામાનની હેરફેરમાં વપરાતા શિપિંગ કન્ટેનરમાં એક અનોખો પોર્ટેબલ ક્લાસરૂમ અને પ્લેસ્કેપ તૈયાર કર્યો છે, જેને તેણે ‘ધી અનબૉક્સ્ડ સ્કૂલ’ નામ આપ્યું છે. આ પોર્ટેબલ ક્લાસરૂમ ૪૦ બાય ૮ ફુટના શિપિંગ કન્ટેનરમાંથી બનાવવામાં આવ્યો છે. એમાં વીસથી પચીસ બાળકો આરામથી બેસીને ભણી શકે છે. એમાં એક નાનું વૉશરૂમ અને સ્ટોરેજ એરિયા પણ બનાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે બીજા નાના ક્લાસરૂમ તરીકે પણ થઈ શકે છે. શ્રમિકો જ્યારે એક પ્રોજેક્ટ પૂરો કરીને બીજી સાઇટ પર જશે ત્યારે આખા કન્ટેનરને ટ્રકમાં લોડ કરીને બીજી સાઇટ પર આસાનીથી શિફ્ટ કરી શકાશે.
દિવિતનું કહેવું છે કે આ આખો પ્રોજેક્ટ ૧૦ લાખ રૂપિયા કરતાં પણ ઓછા ખર્ચે તૈયાર થઈ જાય છે. બૅન્ગલોરની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને કન્ટેનર પર હીટ-રિફ્લેક્ટિવ પેઇન્ટ પણ કરવામાં આવ્યો છે. અંદરનું તાપમાન જાળવી રાખવા માટે વીજળી વગર કુદરતી હવાના દબાણથી ચાલતા પૅસિવ ટર્બાઇન વેન્ટ્સ લગાવવામાં આવ્યા છે, જેથી મોંઘા ઇન્સ્યુલેશન વગર પણ અંદર ઠંડક જળવાઈ રહે.
