કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં એક મહિલાએ વૃદ્ધ મહિલાને પગે લાગી અને ગળે મળીને વાતોમાં ભોળવી રાખી હતી. ત્યાર બાદ તેણે ૭૮ વર્ષની મહિલાના ગળા અને હાથમાંથી લગભગ ૧૧૦ ગ્રામની, આશરે ૧૯ લાખ રૂપિયાની જ્વેલરી ચોરી કરી હતી.
વૃદ્ધ મહિલા લૂંટ
આજકાલના ચોરોનું પણ કહેવું પડે. લક્ઝરી કારમાં ધોળેદહાડે લૂંટ કરવા નીકળે છે. કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં એક રેસિડેન્શિયલ વિસ્તારમાં CCTV કૅમેરામાં ચોરીની અજીબ ઘટના કેદ થઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા મોટી લક્ઝરી કારમાંથી ઊતરે છે અને પાસે ઊભેલાં વૃદ્ધ માજીને પગે લાગીને જાણે આશીર્વાદ લે છે અને પછી ગળે પણ લગાવે છે. ગળે લગાવીને જાણે વાતચીત કરતી હોય એમ ચોરટી વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી રાખે છે અને તેના ગળા અને હાથમાંથી જ્વેલરી કાઢીને જતી રહે છે. ૭૮ વર્ષની એ મહિલાને એ પછી તે લૂંટાઈ ગઈ હોવાનો અહેસાસ થાય છે. આ મહિલાના દીકરાનું કહેવું છે કે ચોર લગભગ ૧૧૦ ગ્રામની જ્વેલરી ચોરીને ભાગી ગઈ છે. લગભગ ૧૯ લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ઇમોશનલ વૅલ્યુ ખૂબ વધારે હતી એવું આ મહિલાનું કહેવું છે.
હવે કૅનેડાની પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજના આધારે સફેદ લક્ઝરી કાર અને એમાં દેખાતી મહિલાની શોધ કરી રહી છે.
