Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરાને મારવાની સુપારી આપનાર મમ્મીને જ પતાવી દીધી કૉન્ટ્રૅક્ટ કિલરે, છેક પાંચ વર્ષે કેસ ઉકેલાયો

દીકરાને મારવાની સુપારી આપનાર મમ્મીને જ પતાવી દીધી કૉન્ટ્રૅક્ટ કિલરે, છેક પાંચ વર્ષે કેસ ઉકેલાયો

Published : 24 March, 2026 02:03 PM | Modified : 24 March, 2026 02:05 PM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નવા પુરાવા અને સતત પ્રયાસ કર્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિશ્રાને શોધીને તેની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


છત્તીસગઢના રાયપુરમાં ૨૦૨૧માં શકુંતલા યાદવ નામની મહિલાની લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ઉકેલ લગભગ પાંચ વર્ષ બાદ આવ્યો છે જેમાં આરોપી અજય મિશ્રા અમદાવાદથી ઝડપાયો છે. અજય મિશ્રા લગભગ પાંચ વર્ષ સુધી ફરાર હતો પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને નરોડાથી ઝડપી લીધો હતો.

આ કેસ એક પરિવારમાં મિલકતના ગંભીર વિવાદથી શરૂ થયો હતો. માતા શકુંતલા યાદવે તેના મોટા દીકરાથી છુટકારો મેળવવા તેની હત્યા કરવાની યોજના બનાવી હતી અને એમાં તેને નાના પુત્ર અમિત યાદવનો સાથ મળ્યો હતો. તેમણે હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા અજય મિશ્રાને આ કામ સોંપ્યું હતું, કારણ કે તેઓ તેને ઓળખતાં હતાં. હત્યાનો સોદો ૪ લાખ રૂપિયામાં નક્કી થયો હતો અને ૧ લાખ રૂપિયા ઍડ્વાન્સ ચૂકવવામાં આવ્યા હતા. જોકે મિશ્રાએ દીકરાની હત્યા ન કરી અને કામ પૂરું કર્યા વિના પોતાના ગામ જતો રહ્યો. શકુંતલા અને અમિતે પછીથી મિશ્રાને શોધી કાઢ્યો અને પૈસા પાછા માગ્યા હતા. મિશ્રાએ તેમને ખાતરી આપી કે હું પાછો આવીશ. 



મહિનાઓ પછી અજય મિશ્રા તેના સાથીદાર કેતન તિવારી સાથે એક અલગ યોજના સાથે પાછો આવ્યો હતો. શકુંતલા એકલી હતી ત્યારે બન્ને તેના ઘરે ગયા અને પૈસા પાછા આપવાને બદલે તેમણે શકુંતલાની હત્યા કરી નાખી. આરોપીઓએ શકુંતલાનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી અને ઘરમાંથી ૧૦ લાખ રૂપિયા રોકડા અને ૪૫૦ ગ્રામ સોનાના દાગીના ચોરીને નાસી છૂટ્યા હતા. આ બનાવને કારણે સ્થાનિક સમુદાયને આઘાત લાગ્યો હતો.


હત્યા કર્યા પછી મિશ્રા ઓળખ છુપાવતો રહ્યો હતો. તેણે પોતાનો મોબાઇલ ફોન વાપરવાનું બંધ કરી દીધું અને પોલીસથી બચવા માટે પૅન અને આધાર કાર્ડ જેવા સત્તાવાર ઓળખ-દસ્તાવેજો વાપરવાનું ટાળી દીધું હતું. તે ૨૦૨૨માં અમદાવાદના નરોડામાં સ્થાયી થયો હતો, પણ એ પહેલાં એક જગ્યાએથી બીજા સ્થળે ફરતો રહ્યો હતો. તેણે ચોરેલું સોનું વેચી દીધું હતું.

નવા પુરાવા અને સતત પ્રયાસ કર્યા પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિશ્રાને શોધીને તેની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘ધરપકડથી આખરે કેસનો અંત આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓને શોધવા અને તેમની સામે કાર્યવાહી કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 02:05 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK