બાબાને પ્રસાદમાં કંઈક ચડાવવું હોય તો તેઓ સિગારેટ અથવા પતાસા સ્વીકારે છે
સિગારેટબાબા
ઉત્તર પ્રદેશના બાગપતમાં ડૉક્ટર વિના સિગારેટના ધુમાડાથી લોકોની સારવાર કરતો એક માણસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પહેલાં મગફળી વેચતો હતો એ માણસ હવે સિગારેટબાબા તરીકે જાણીતો થયો છે અને પોતાનો દરબાર લગાવીને સારવાર કરે છે. લોકો પણ આ અંધવિશ્વાસમાં માને છે અને આ ભાઈ લોકો પાસેથી સારાએવા રૂપિયા વસૂલે છે. હજી એક વર્ષ પહેલાં સુધી આ માણસ બડોત-મુઝફ્ફરનગરના રોડ પર મગફળી વેચીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ અચાનક તેણે પોતાની અંદર ચમત્કારિક શક્તિઓ આવી ગઈ હોવાનું કહીને માથાનો દુખાવો, તાવ, શારીરિક પીડાઓ અને રોજગારનાં સંકટો તેમ જ ભૂતપ્રેતનો વળગાડ ઠીક કરી શકે છે એવો દાવો કર્યો છે. તે બાકાયદા સિગારેટબાબા તરીકે પોતાનો દરબાર લગાવે છે અને લોકો દિલ્હી તથા હરિયાણાથી તેની પાસે આવે છે. દરબારમાં દર્શન કરતાં પહેલાં પરચી લેવા માટે ફી ચૂકવવી પડે છે. સામાન્ય પરચી લેવા માટે ૧૦૦ રૂપિયા અને ઇમર્જન્સી માટે ૩૦૦ રૂપિયા છે. નંબર આવતાં શ્રદ્ધાળુ બાબા સામે આવે એટલે ૩૦થી ૪૦ સેકન્ડ સુધી ભજન વાગે છે. બાબાજી ગરદન ઘુમાવે છે અને રહસ્યમય માહોલ બનાવીને તેમની સમસ્યા વિશે વાત કરે છે અને પછી સિગારેટનો લાંબો કશ ખેંચીને એનો ધુમાડો શ્રદ્ધાળુ કે દરદી પર છોડે છે. એ ધુમાડાથી દરદીને લાગવા માંડે છે કે તેના પરનું સંકટ દૂર થઈ ગયું છે અથવા દૂર થઈ જશે.
બાબાને પ્રસાદમાં કંઈક ચડાવવું હોય તો તેઓ સિગારેટ અથવા પતાસા સ્વીકારે છે. જોકે આ પ્રસાદ પણ બાબાની દુકાનેથી જ ખરીદવાનો, બીજે ક્યાંયથી નહીં. દરબારમાં ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી પર પ્રતિબંધ છે. આ વિશે સ્થાનિક પોલીસને કાંઈ જ ખબર નથી.


