ગુજરાતમાં એક ગામમાં બપોરના સમયે ઝાડના છાંયામાં આરામ કરી રહેલા ખેડૂતના શર્ટમાં કોબ્રા ઘૂસી ગયો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ગુજરાતમાં એક ગામમાં બપોરના સમયે ઝાડના છાંયામાં આરામ કરી રહેલા ખેડૂતના શર્ટમાં કોબ્રા ઘૂસી ગયો હતો. જોકે ધીરજ અને સૂઝબૂઝને કારણે તેમનો જીવ બચી ગયો હતો. જ્યારે ધીમી ચાલે કોબ્રા તેમની નજીક આવ્યો ત્યારે તેઓ ભરઊંઘમાં હતા. કોબ્રા જેવો શર્ટની અંદર ઘૂસ્યો એ પછી તેમને અંદર થઈ રહેલા સળવળાટ પરથી ખબર પડી કે અંદર સાપ ઘૂસી ગયો છે. તેમણે હળવી બૂમ પાડીને બાજુમાં સૂતેલા ભાઈને જગાડ્યો. બીજી તરફ તે પોતે સ્થિર જ સૂઈ રહ્યો. ભાઈએ ધીમે-ધીમે કરીને શર્ટનાં બટન ખોલી નાખ્યાં. જોકે ત્યાં સુધીમાં સાપ સાઇડમાં લપાઈ ગયો હતો. સાપને સાઇડની સ્લીવ્સમાંથી નીકળવા માટે સ્લીવ્સનાં બટન પણ ખોલી નાખ્યાં. જોકે એ પછીયે સાપનો સળવળાટ લગભગ નહીંવત્ થઈ ગયો. એવામાં ધીમે-ધીમે કરીને ખેડૂતે શર્ટની બાંયમાંથી એક હાથ કાઢ્યો અને પડખે ફરી ગયો. એ પછી બીજી બાંયમાંથી પણ હાથ કાઢી લીધો. એ પછી જેવું શર્ટ હલાવ્યું કે તરત જ ફેણ મારીને કોબ્રા બેઠો થઈ ગયો.
