તેમની સુરક્ષા માટે સપોર્ટમાં પૅરામેડિક્સ અને કોસ્ટગાર્ડની ટીમ પણ સાથે હતી.
દાનિશ આબ્દી અને વૃષાલી પ્રસાદ
બૅન્ગલોરના એક બહાદુર કપલે સમુદ્રની લહેરોને પડકાર આપીને એક અતિ કપરું કારનામું પૂરું કર્યું છે. દાનિશ આબ્દી અને વૃષાલી પ્રસાદ નામના આ યુગલે શ્રીલંકાથી ભારત સુધીનું લગભગ ૩૨ કિલોમીટરનું અંતર તરીને પાર કર્યું હતું. દાનિશ અને વૃષાલીની આ સફળતા આજના યુવાનો માટે હિંમત, મહેનત અને આત્મવિશ્વાની મોટી મિસાલ બની ગઈ છે. તેમણે આ મિશન શ્રીલંકાના તલાઈમન્નાર કાંઠેથી શરૂ કર્યું હતું. સમુદ્રની લહેરો અને સતત બદલાતા પ્રવાહોને કારણે શારીરિક રીતે થાકી ગયાં હોવા છતાં દાનિશ અને વૃષાલીએ લગાતાર ૧૦ કલાક ૪૫ મિનિટ સુધી સ્વિમિંગ કર્યું હતું અને ભારતના ધનુષકોડી પર પહોંચ્યાં હતાં. આ મિશન એક ખાસ કલ્ચરલ મહત્ત્વ ધરાવે છે કેમ કે આ સ્વિમિંગ રૂટ ઐતિહાસિક ઍડમ્સ બ્રિજ પાસેથી પસાર થાય છે. કુલ્લા સમુદ્રમાં તરવાનું કોઈ સ્વિમિંગ-પૂલમાં તરવા કરતાં અનેકગણું મુશ્કેલ હોય છે. બદલાતી મોસમ અને પાણીના પ્રવાહનો કરન્ટ આમતેમ થતો રહેતો હોવાથી તરવાની સ્પીડ જાળવી રાખવાનું મુશ્કેલ હોય છે. જોકે તેમની સુરક્ષા માટે સપોર્ટમાં પૅરામેડિક્સ અને કોસ્ટગાર્ડની ટીમ પણ સાથે હતી.
