પરિવારજનોએ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે જોયું તો માયાદેવીના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને ખાસ્સાં હલાવવાની અને જગાડવાની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ.
૯૦ વર્ષનાં માયાદેવી
ઝાંસીમાં ૯૦ વર્ષનાં એક દાદીને કમ્પાઉન્ડરે મૃત્યુ પામેલાં જાહેર કરી દીધાં હતાં. અંતિમ સંસ્કારની વિધિ દરમ્યાન ગંગાજળ છાંટતાં જ માજી પાછાં જીવતાં થઈ ગયાં હતાં. ૯૦ વર્ષનાં માયાદેવી તેમના ત્રણ દીકરાઓના પરિવાર સાથે રહે છે. પરિવારજનોએ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે જોયું તો માયાદેવીના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમને ખાસ્સાં હલાવવાની અને જગાડવાની કોશિશ કરી પણ વ્યર્થ ગઈ. આખરે તેમણે નજીકની હૉસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડરને બોલાવીને નસ દેખાડી તો તેણે પણ માજી મરી ગયાં છે એવું કહ્યું. એ પછી ઘરમાં મરસિયા ગાવાનું શરૂ થઈ ગયું અને આખા ગામમાં તેમના મૃત્યુની વાત ફેલાતાં લોકો અંતિમ વિધિ માટે આવવા લાગ્યા. પથારીમાંથી ઉતારી જમીન પર સુવડાવીને તેમની આસપાસ રડવાનું શરૂ થઈ ગયું અને ધૂપ-અગરબત્તી પણ જલાવી દેવાયાં. બહાર નનામી બનાવવાની તૈયારી થઈ ગઈ હતી એવામાં છેલ્લે દાદીને ઘરની બહાર કાઢતાં પહેલાં નાના દીકરા રામકિશને તેમના શરીર પર ગંગાજળ છાંટ્યું. ગંગાજળ પડતાં જ તેમના શરીરમાં શ્વાસ પાછા આવી ગયા અને થોડી જ વારમાં તો દેહમાં પણ સળવળાટ થવા લાગ્યો.
કોઈ અઢી કલાક પછી જીવતું થાય એવું શક્ય છે? એ વિશે ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજના સિનિયર ફિઝિશ્યન ડૉ. જકી સિદ્દીકીનું કહેવું છે કે ક્યારેક દરદી ન્યુરોમૅટિક શૉકમાં જતો રહે તો શરીર મૃતપ્રાય થઈ જાય છે, પરંતુ હૃદય ધીમે-ધીમે ધડકતું રહે છે. અચાનક કોઈ મેજર પ્રતિક્રિયા શરીર પર થાય તો ન્યુરોમૅટિક શૉકની તંદ્રા તૂટી જતાં વ્યક્તિ હોશમાં આવી જાય છે.

