પ્રફુલ્લે સવારે ૬ વાગ્યે વાયલેટ લાઇનના રાજા નાહર સિંહ સ્ટેશનથી પોતાની સફર શરૂ કરી હતી અને રાત્રે આશરે ૯ વાગ્યે ગુરુગ્રામના મિલેનિયમ સિટી સેન્ટર સ્ટેશન પર મુસાફરી પૂરી કરી હતી.
દિલ્હી મેટ્રોના આ કર્મચારીએ બનાવ્યો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના એક કર્મચારી પ્રફુલ્લ સિંહે દિલ્હી મેટ્રોનાં તમામ સ્ટેશનોનાં ચક્કર લગાવીને સૌથી ઝડપી મુસાફરી કરવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે. પ્રફુલ્લે માત્ર ૧૪ કલાક ૫૪ મિનિટ ૩૬ સેકન્ડમાં દિલ્હી મેટ્રો નેટવર્કનાં તમામ ૨૫૪ જેટલાં સ્ટેશનો કવર કરી લીધાં હતાં.
પ્રફુલ્લે સવારે ૬ વાગ્યે વાયલેટ લાઇનના રાજા નાહર સિંહ સ્ટેશનથી પોતાની સફર શરૂ કરી હતી અને રાત્રે આશરે ૯ વાગ્યે ગુરુગ્રામના મિલેનિયમ સિટી સેન્ટર સ્ટેશન પર મુસાફરી પૂરી કરી હતી. આ પહેલાં આ રેકૉર્ડ સુજય કુમાર અને શિપ્રા ગુપ્તાના નામે (૧૫ કલાક ૨૧ મિનિટ) હતો. પ્રફુલ્લે ૨૦૨૨માં પણ આ રેકૉર્ડ બનાવ્યો હતો, પણ આ વખતે તેણે પોતાની જૂની ભૂલોમાંથી શીખીને વધુ સચોટ પ્લાનિંગ સાથે આ સિદ્ધિ મેળવી છે.
ગિનેસ રેકૉર્ડના નિયમો અનુસાર દરેક સ્ટેશન પર ટ્રેન ઊભી રહેવી જરૂરી છે અને દરેક સ્ટેશન પર સમય સાથેનો ફોટો પુરાવા તરીકે લેવો પડે છે. મેટ્રો કર્મચારી હોવાની સાથે-સાથે પ્રફુલ્લ ઍથ્લીટ પણ છે. તેણે આ રેકૉર્ડ બનાવીને દિલ્હી મેટ્રોની ઝડપ અને નેટવર્કની ક્ષમતા આખા વિશ્વ સમક્ષ સાબિત કરી બતાવી છે.
