પોસ્ટમાં તેમણે લખ્યું છે, ‘લિન્ક્ડઇન, દરેક ચીજ માટે ધન્યવાદ. ઇન્ડસ્ટ્રીના લીડર્સ, મને ભૂલી જવા અને નજરઅંદાજ કરવા માટે ધન્યવાદ
મરણનોંધ
પોતાની પ્રતિભા અને અભ્યાસ મુજબની નોકરી મેળવવા કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરે પણ ક્યાંયથી હકારાત્મક પ્રતિભાવ ન મળે ત્યારે નિરાશા થવી સ્વાભાવિક છે. એમાંય જ્યારે નોકરીની શોધ ત્રણ-ત્રણ વર્ષ પછી પણ કોઈ ફળ ન આપે ત્યારે કેવી હતાશા હોય એનું ઉદાહરણ છે પ્રશાંત હરિદાસ નામના આ ભાઈ. પ્રશાંતે ત્રણ-ત્રણ વર્ષની નિષ્ફળતા બાદ પોતાની વેદનાને પ્રોફેશનલ પ્લૅટફૉર્મ લિન્ક્ડઇન પર જ ઠાલવી છે. તેમણે એમાં પોતાના પ્રોફાઇલ ફોટોમાં મરણનોંધ જેવો લેઆઉટ બનાવ્યો છે. ઉપર લખ્યું છે ‘રેસ્ટ ઇન પીસ’ અને જન્મથી લઈને મરણની તારીખ પણ મૂકી દીધી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે, ‘લિન્ક્ડઇન, દરેક ચીજ માટે ધન્યવાદ. ઇન્ડસ્ટ્રીના લીડર્સ, મને ભૂલી જવા અને નજરઅંદાજ કરવા માટે ધન્યવાદ. મારી આ પોસ્ટ અને બકવાસ માટે માફી. મને ખબર છે કે આ પોસ્ટ પછી કોઈ પણ મને નોકરી પર નહીં રાખે, ભલેને હું કેટલોય સારો કેમ ન હોઉં.’ પોસ્ટમાં પ્રશાંત સ્પષ્ટતા કરે છે કે આ પોસ્ટથી તે એ બતાવવા માગે છે કે તેની નોકરી મેળવવાના પ્રયાસોનું મૃત્યુ થયું છે, પણ તેની જાતને નુકસાન પહોંચાડવાની કોઈ ઇચ્છા નથી. તે લખે છે, ‘હું મરવાનો નથી. કરવા માટે ઘણી ચીજો છે. ભોજનનો સ્વાદ લેવાનો છે, ફરવા માટે ઘણી જગ્યાઓ છે. બસ, નોકરી મેળવવાની આશ મરી ચૂકી છે. ચીજો નવેસરથી ઠીક કરવાની અને જીવનને પ્રેમથી જીવવાની કોશિશ કરું છું. ત્રણ વર્ષ સુધી બેરોજગાર રહેવાનું અને કામથી દૂર રહેવાનું ખૂબ કઠિન છે.’

