ઝાડા-ઊલટી થવાથી મહેમાનોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ઊલટી શરૂ થયા બાદ ગોંદિયાની એક હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં બાળકો.
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના ગોરેગાવ તાલુકાના બબઈ નામના ગામમાં શનિવારે બપોરના લગ્નસમારંભમાં ભોજન લીધા બાદ ત્રણેક કલાક પછી ઝાડા-ઊલટી થવા લાગતાં ૬૦ મહેમાનોને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.
ગોંદિયાના સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ અહીંના આમગાવ તાલુકાના વળદ ગામમાં રહેતા કેશવરામ બિસેનના મોટા પુત્રની બારાત શનિવારે બપોરના બબઈ ગામે ગઈ હતી. મહેમાનોએ ભોજન લીધું હતું. જમ્યા બાદ ત્રણેક કલાક પછી મહેમાનોને ઝાડા-ઊલટી થવા લાગ્યાં હતાં. આથી ૬૦ મહેનાનોને સાંજે ૭.૩૦ વાગ્યે ગોરેગાવ ગ્રામીણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં જણાઈ આવ્યું હતું કે કાટ લાગી ગયેલા એક ડબ્બામાં ત્રણ વર્ષ જૂના ચોખા મૂકવામાં આવ્યા હતા. એ ચોખાનો ઉપયોગ લગ્નસમારંભના ભોજનમાં કરવામાં આવ્યો હતો. મોટા ભાગના મહેમાનોની તબિયતમાં સુધારો થતાં શનિવારે મોડી રાત્રે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે ચારથી પાંચ મહેમાનોની તબિયતમાં સુધારો ન થતાં તેમને ગોંદિયાની સિવિલ હૉસ્પિટલમાં ગઈ કાલે શિફ્ટ કરવામાં આવ્યા હતા.

