૨૦૦૬માં કરાયેલા એક સર્વેક્ષણના અહેવાલ મુજબ અમેરિકામાં વર્ષમાં લગભગ ૧૦,૦૦૦ લોકો અખાદ્ય વસ્તુ ગળી જતા હોય છે

લેગો ટૉય્ઝ
તાજેતરમાં થયેલા એક સંશોધનમાં બાળવિશેષજ્ઞ ડૉક્ટરોની એક ટીમે લેગો ટૉય્ઝ ગળી જઈને એને બહાર કાઢવામાં કેટલો સમય લાગી શકે છે એનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ કાઢેલા તારણ મુજબ પુખ્ત વયના લોકો માટે રમકડાના નાના પાર્ટ્સ ગળી જવા ભયજનક નથી. જોકે બાળકો માટે આ જોખમી પુરવાર થઈ શકે છે, કેમ કે તેમનું પાચનતંત્ર એટલું વિકસિત નથી હોતું.
અત્યંત વિચિત્ર લાગતા આ અભ્યાસ પાછળ એક હેતુ એ જાણવાનો હતો કે આવી કોઈ પાચન ન કરી શકાય એવી વસ્તુ શરીરમાં જાય તો આપણું પાચનતંત્ર એને શરીરમાં રહેવા દે છે કે પાછું બહાર ફેંકી દે છે.૨૦૦૬માં કરાયેલા એક સર્વેક્ષણના અહેવાલ મુજબ અમેરિકામાં વર્ષમાં લગભગ ૧૦,૦૦૦ લોકો અખાદ્ય વસ્તુ ગળી જતા હોય છે, જેમાંથી ૮૦ ટકા બાળકો હોય છે અને ગળવામાં આવતી વસ્તુઓ મોટા ભાગે સિક્કા કે રમકડાના ટુકડા હોય છે. છૂટા પાડી શકાય એવા રમકડાના ટુકડા અને પઝલ ગેમના ટુકડા ધરાવતી ગેમ્સ પર વયજૂથનો ઉલ્લેખ કરવા સાથે બાળકો ગળી ન જાય એ જોવાની ચેતવણી પણ આપવામાં આવે છે.
‘જર્નલ ઑફ પીડિયાટ્રિક્સ ઍન્ડ ચાઇલ્ડ હેલ્થ’માં પ્રકાશિત થયેલા તારણમાં જણાવાયું હતું કે બાળકો દ્વારા ગળી જવામાં આવતા રમકડાના નાના પાર્ટ્સ એકથી ત્રણ દિવસમાં શરીરમાંથી બહાર ફેંકી દેવાતા હોય છે.