પોલીસે મુંબઈના ઉલ્હાસનગરના કિશોર કુકરેજા અને ત્રણ મહિના પહેલાં જ મંદિરમાં પગારદાર તરીકે જોડાયેલા જૂનાગઢના રમેશ ભટ્ટની ધરપકડ કરી
ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા પ્રસંગે સંતો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, મંદિરમાં ગોરખનાથજીની મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા શ્રી ગોરખનાથજી મંદિરમાં પાંચમી ઑક્ટોબરે ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરીને ખીણમાં ફેંકી દેવાના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના ઉલ્હાસનગરમાં રહેતા અને મંદિરમાં પગારદાર સેવક તરીકે કામ કરતા કિશોર કુકરેજા અને રમેશ ભટ્ટની ગઈ કાલે ધરપકડ કરી હતી.
પોલીસે આ કેસ ઉકેલવા માટે ૧૦ ટીમો દ્વારા ૧૫૬ જગ્યાનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ચેક કર્યાં હતાં. આ ઉપરાંત ગોરખનાથ મંદિરની નજીક દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતો રમેશ ભટ્ટ કે જે ત્રણ મહિના પહેલાં મંદિરમાં પગારદાર તરીકે રોકાયો હતો તેની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો. પ્રાથમિક વિગતો જાણવા મળી એ મુજબ ચોથી ઑક્ટોબરે સાંજે આરતી બાદ ગોરખનાથ મંદિરના પગારદાર સેવક કિશોર કુકરેજાએ ગોરખનાથની મૂર્તિ પાદુકાવાળા મંદિર પાસે લઈ ગયો હતો ત્યારે રમેશ ભટ્ટ સાઇડમાં ઊભો હતો. કિશોર કુકરેજાએ લોખંડની સ્ટિકથી મંદિરના કાચમાં બેથી ત્રણ ઘા મારીને કાચ તોડી નાખ્યા હતા. તેઓ બન્ને જણ મૂર્તિને દીવાલ સુધી લઈ ગયા હતા અને દીવાલ પરથી એ નીચે ખાઈમાં ફેંકી દીધી હતી.

