Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દિવાળીને માંદા પડ્યા વિના મન મૂકીને માણવી હોય તો અપનાવો પ્રી-દિવાલી રીસેટ પ્લાન

દિવાળીને માંદા પડ્યા વિના મન મૂકીને માણવી હોય તો અપનાવો પ્રી-દિવાલી રીસેટ પ્લાન

Published : 14 October, 2025 01:51 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ગિલ્ટ-ફ્રી દિવાળી ઊજવી શકાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


એક સમય હતો જ્યારે લોકો દિવાળીમાં બેફામ ખાઈ લીધા પછી દિવાલી ડીટૉક્સ પ્લાન અપનાવતા, પરંતુ હવે પહેલેથી જ એની તકેદારી રાખવાની વાત ટ્રેન્ડમાં છે. દિવાળીના દિવસોમાં તમારા આહારમાં સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈઓનો ઓવરલોડ ગૅસ, અપચો અને મેદસ્વિતા જેવી સમસ્યા ઊભી કરે એ પહેલાં જ જો થોડી કાળજી રાખવામાં આવે તો ગિલ્ટ-ફ્રી દિવાળી ઊજવી શકાય

દિવાળીનો ઉત્સાહ રંગબેરંગી રંગોળી અને ફટાકડાઓ પૂરતો જ નહીં, સ્વાદિષ્ટ ભોજનની સોડમ માણવાનો પણ છે. ઘરે મહેમાનો માટે લાવેલી મીઠાઈઓ અને ફરસાણ જોઈને મન પર કાબૂ રહેતો નથી અને એ સમયે લોકો એનો આસ્વાદ માણી લેતા હોય છે પણ પછી ગૅસ, અપચો, વજન વધવું, નબળાઈ, ઇન્ફ્લમેશન જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. પહેલાં ઘરમાં બનતા નાસ્તા હેલ્ધી હતા પણ હવે બહારના પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે, જે હેલ્થને વધુ ખરાબ કરે છે. નૉર્મલી બધા દિવાળી પછી એટલે કે પોસ્ટ-દિવાલી ડીટૉક્સ પ્લાન અપનાવતા હોય છે પણ આવું કરવા કરતાં જો સકારાત્મક​ વિચારસરણી સાથે પ્રી-દિવાલી રીસેટ પ્લાનને ફૉલો કરવામાં આવે તો જરૂર કરતાં વધુ સાકર, મીઠું અને તેલવાળા ખાદ્ય પદાર્થોથી થતા નુકસાનથી બચી શકાય છે. આ પ્લાનને અપનાવવાથી તહેવારની શરૂઆત પહેલાં જ તમારા પાચનતંત્ર અને મનને ફિટ ઍન્ડ ફાઇન રાખવાનું કામ કરે છે ત્યારે વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા આ ડાયટ ટ્રેન્ડ વિશે જાણીએ અને સમજીએ.



પાણી પહેલાં પાળ બાંધો


દિવાળી પહેલાં હેલ્થને જાળવશો તો તહેવારને માણી શકશો એવું માનતી બાઉન્સ ધ પાઉન્ડ નામના ક્લિનિકનું સંચાલન કરતી અનુભવી ડાયટિશ્યન સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘આ નવો હેલ્થ ટ્રેન્ડ એ માન્યતા પર આધારિત છે કે જો તમે તહેવારની ધમાલ અને ભારે ભોજન પહેલાં તમારા શરીર અને મનને તૈયાર કરી લેશો તો તહેવાર દરમિયાન ઓછી તકલીફ પડશે અને તહેવાર બાદ તમને કોઈ ડીટૉક્સ પ્લાનની જરૂર નહીં પડે. આ પ્રિવેન્શન ઇઝ બેટર ધૅન ક્યૉરના સિદ્ધાંત પર કામ કરે છે. અત્યારે ફૂડ લવર્સ તહેવાર આવે એટલે સ્વાદિષ્ટ ભોજન, મીઠાઈઓ અને ફરસાણનો આસ્વાદ માણવા મળશે એવું જ વિચારે છે પણ હકીકતમાં દિવાળી કે કોઈ પણ તહેવાર ફૂડ માટેનો નહીં પણ પરિવાર અને મિત્રો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને અને જળવાઈ રહે એના માટે હોય છે. મહેમાન આપણા ઘરે આવે કે આપણે તેમના ઘરે જાઈએ તો પણ ખાણીપીણીમાં ધ્યાન રાખશો તો એની આફ્ટર ઇફેક્ટ્સ દેખાશે નહીં. આ માટે સેલ્ફ-કૅર રીસેટ રૂટીનને સેટ કરવું બહુ જરૂરી છે. તહેવાર પહેલાં શરીરને ફ્યુઅલ અપ કરવું એ જ સાચું રીસેટ છે. આમાં પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી પાચનશક્તિ અને ચયાપચયની ક્રિયા સારી થશે એટલે તમે મીઠાઈઓ કે ફરસાણ ખાશો તો પચવાની સમસ્યા થશે નહીં. દિવાળીના દિવસો શરૂ થયાના ચારથી પાંચ દિવસ પહેલાં આ રૂટીનને શરૂ કરી શકાય. બહુ જ સિમ્પલ અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ફૉલો કરી શકે એવું રૂટીન અમે ડિઝાઇન કર્યું છે જેમાં દિવસની શરૂઆત ઘરમાં બનેલા પૌષ્ટિક પીણાથી કરો. જો તમને ગૅસની કે પેટ સાફ ન થવાની સમસ્યા રહેતી હોય તો સવારે ખાલી પેટે ચિયા સીડ્સનું પાણી પીવું જોઈએ. એ ફાઇબરથી ભરપૂર હોવાથી આંતરડાંની સફાઈ કરવામાં મદદ કરે છે. સવાર-સવારમાં કોઈને વીકનેસ ફીલ થાય તો કાળી દ્રાક્ષનું પાણી પીવું ઉત્તમ છે. ઇન્ફ્લમેશનની સમસ્યામાં હળદર અને લીંબુનું પાણી પીવાથી ફાયદો થાય છે.’

દિવસની ડાયટમાં શું ફેરફાર કરવા?


તહેવારના દિવસોમાં મીઠાઈ અને ફરસાણનું સેવન તો થવાનું જ છે તેથી રૂટીન ડાયટમાં અમુક ફેરફાર કરવાથી સ્વાસ્થ્ય પર દિવાળીની આફ્ટરઇફેક્ટ્સ દેખાશે નહીં એમ જણાવતાં સલોની કહે છે, ‘દિવાળી પાર્ટીઓ અને મીઠાઈઓનું સેવન આખા વીક દરમિયાન થવાનું હોય તો બ્રેકફાસ્ટ હળવો રાખો. ફ્રૂટ્સ અને દહીં, પૌંઆ વિથ વેજિટેબલ, ઓટ્સ અથવા વેજિટેબલ ચીલા ખાઈ શકાય. આ ઉપરાંત મીલ્સ સ્કિપ કરવાનું ટાળવું જોઈએ. દર ત્રણથી ચાર કલાકે કંઈક ખાઈ લેવું. જો તમે નહીં ખાઓ અને વધુપડતી ભૂખ લાગશે અને પછી કન્ટ્રોલ નહીં થાય તો જે પણ દેખાશે એ ખાવાનું મન થઈ જશે. લંચમાં દૂધી, તૂરિયાં, ગલકાં, ટિંડોળા, ગુવાર જેવી દેશી અને હળવી શાકભાજીનો સમાવેશ કરો. દિવસમાં એક ટાઇમ એટલે કે બપોરે અથવા રાત્રે ડિનરમાં ખીચડીનો સમાવેશ કરો, પેટ માટે એ કમ્ફર્ટ ફૂડ છે. એ સૌથી હળવો અને સરળતાથી પચી જાય એવો આહાર છે. સાંજે એક અથવા બે ફળ ખાઓ. ખાસ કરીને પપૈયા, પાઇનૅપલ, પેરુ અને ઍપલ જેવાં ફળોમાં ફાઇબર હોવાથી એ બ્લોટિંગ અને ઍસિડિટીથી બચાવે છે.’

લાઇફસ્ટાઇલ રીસેટ

ખોરાક આરોગતાં પહેલાં અમુક ચીજોનું ધ્યાન રાખશો તો સમસ્યાઓ શરીરની અંદર પ્રવેશી શકશે નહીં એવું માનતી સલોની જણાવે છે, ‘હંમેશાં ઇન્ટ્યુટિવ ઈટિંગ કરો એટલે કે જો તમને ભૂખ લાગી હોય અને આજે હું ત્રણ પરોઠાં ખાઈશ એવું વિચારવાને બદલે તમે જે વિચારો છો એના પચાસ ટકા જટલું જ ખાઓ. સામાન્યપણે આપણે ખાવાનું શરૂ કરીએ એની ૨૦ મિનિટ પછી ભૂખનાં હૉર્મોન્સ રિલીઝ થાય છે અને તમે ૫૦ ટકા જેટલું ખાઈ લીધા પછી સંતોષ મળશે. બીજી અગત્યની વાત, રાત્રે સૂવાના ત્રણ કલાક પહેલાં ડિનર પૂર્ણ કરવાની કોશિશ કરો. જો શક્ય ન હોય તો જમ્યા પછી ૨૦ મિનિટ સુધી વૉકિંગ કરીને પછી સૂવું. ડિનર પહેલાં દૂધી, સરગવો અને ફુદીનાનું સૂપ પીઓ. પહેલાં સૂપ પીવાનું અને પછી જે બનાવ્યું હોય એ ખાવાથી ઓછું ખવાય છે અને બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે. જો ઓવરઈટિંગ થઈ જાય તો સૂતાં પહેલાં વરિયાળી, અજમો અને જીરાનું પાણી પી જવું. આનાથી પાચન સુધરશે. આ રીતનું ડાયટ ફૉલો કરવાથી વજન નિયંત્રણમાં રહેશે, બ્લડ-શુગર અને બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહેશે. માઇન્ડફુલ ઈટિંગથી મન પણ સારું રહેશે અને તહેવારને ખુલ્લા દિલથી માણી શકાશે.’

મહેમાન બનીને જાઓ ત્યારે

દિવાળી સમયે મહેમાન બનીને સગાંસંબંધીઓના ઘરે જવાનું થાય છે જ્યાં પ્રેમથી આગ્રહ કરીને ઘણુંબધું પીરસવામાં આવે છે. આ પરિસ્થિતિને કેવી રીતે હૅન્ડલ કરવી એની ટિપ્સ આપતાં સલોની કહે છે, ‘પાર્ટીમાં કે મહેમાન બનીને જતાં પહેલાં ઘરેથી હળવો નાસ્તો કે ફ્રૂટ્સ ખાઈને જાઓ. ખાલી પેટે જવાથી વધુપડતું ખાઈ લેવાની શક્યતા વધી જાય છે. મીઠાઈ ખાવાનો શોખ હોય તો પણ નિયંત્રણમાં જ ખાવી જોઈએ. એકસાથે ચાર ગુલાબજાંબુ ખાવા કરતાં એક ખાઈને સંતોષ માનવો. ઠંડા પીણાના બદલે પાણી, છાશ, કોકમ શરબત કે દેશી સોડાને પ્રાધાન્ય આપો.’

આરોગ્યને સાચવવાની ગોલ્ડન ટિપ્સ

દિવાળીમાં કદાચ ઓવરઈટિંગ થઈ જાય તો ગિલ્ટ ન રાખો. ખાલી પાણી પીઓ અને જ્યાં સુધી પેટ ન માગે ત્યાં સુધી ન ખાવું.

છાશમાં અને કચુંબરમાં વધારાનું સૉલ્ટ નાખવાનું બંધ કરો. દિવસ દરમિયાન પૂરતું પાણી અને લિક્વિડ લો.

સાકરવાળા શરબતને બદલે સીતાફળ કે ચીકુના મિલ્કશેક મહેમાનોને આપી શકાય જેથી તેમની હેલ્થ પણ સારી રહે અને આપણી પણ.

ખાધા પછી જો વૉકિંગ માટેની જગ્યા ન હોય તો દાદરા ચડ-ઊતર કરવા.

ડાઇજેશન ઇશ્યુ થાય કે ઓવરઈટિંગ થાય તો આદુંનો ટુકડો ચાવી જાઓ અને એ ન ભાવે તો એલચીના દાણા પણ ચાલે.

ઘણી વાર ખાધા પછી પેટમાં ડિસ્કમ્ફર્ટ ફીલ થાય તો ગુલકંદનું દૂધ, ખીચડી અથવા સૂપ લઈ શકાય. ખાવા અને પચવામાં એ હલકા હોય છે.

મહેમાનોના ઘરે વારંવાર ચા-કૉફી જેવાં પીણાંનો આગ્રહ થાય તો એનાથી બચવું. દિવસમાં બે કપથી વધારે ચા કે કૉફી પીવાં નહીં, એનાથી બ્લોટિંગની સમસ્યા થશે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2025 01:51 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK