હિમપ્રપાતમાં ૫૦ કલાક સુધી બરફ વચ્ચે એકલી રહી ડૉગી, હેલિકૉપ્ટર અને ઍરટૅગની મદદથી જીવતી શોધી કઢાઈ, કુદરતી આફતો સામે પ્રાણીઓની જીવવાની જિજીવિષા કેટલી અદ્ભુત હોય છે એનો એક અસાધારણ કિસ્સો અમેરિકાના અલાસ્કામાંથી સામે આવ્યો છે.
હેલિકૉપ્ટર અને ઍરટૅગની મદદથી જીવતી શોધી કઢાઈ
કુદરતી આફતો સામે પ્રાણીઓની જીવવાની જિજીવિષા કેટલી અદ્ભુત હોય છે એનો એક અસાધારણ કિસ્સો અમેરિકાના અલાસ્કામાંથી સામે આવ્યો છે. અહીં પર્વતોમાં આવેલા ભયાનક હિમપ્રપાત વચ્ચે ફસાઈ ગયેલી લૂલૂ નામની ૪ વર્ષની પૂડલ-હસ્કી પ્રજાતિની એક ડૉગી ૫૦ કલાકથી વધુ સમય સુધી માઇનસ ડિગ્રી તાપમાન અને બરફના પહાડો વચ્ચે એકલી જીવતી રહી હતી.
૧૦ ઑક્ટોબરે અલાસ્કામાં લૂલૂ બે અનુભવી પર્વતારોહકો સાથે ટ્રેકિંગ પર ગઈ હતી ત્યારે અચાનક પહાડ પરથી બરફ ધસી પડતાં બન્ને પર્વતારોહકો આશરે ૫૦૦ ફુટ નીચે ખીણમાં પટકાયા હતા. બન્ને પર્વતારોહકોને ગંભીર ઈજાઓ સાથે તાત્કાલિક ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ બરફના તોફાન વચ્ચે લૂલૂ ક્યાંય નજરે ન પડતાં એ લાપતા જાહેર થઈ હતી.
ડૉગીની માલિક લૉરેન પડાવાર એ સમયે પોતાના પિતાના ૮૦મા જન્મદિવસની ઉજવણી માટે વિદેશમાં હતી. પર્વતારોહકો બચી ગયા હોવાના સમાચાર મળતાં જ તેણે લૂલૂને શોધવા માટે અલાસ્કાના સ્થાનિક રેસ્ક્યુ ગ્રુપ્સની મદદ લીધી હતી. બરફના પહાડો વચ્ચે લૂલૂના ગળામાં બાંધેલું ઍપલ ઍરટૅગ આશાનું કિરણ બન્યું હતું. લૉરેને વિદેશમાં બેઠાં-બેઠાં સૅટેલાઇટ ઇમેજ અને મૅપિંગ ઑપ્લિકેશન દ્વારા પાઇલટ્સને સિગ્નલ મળેલા વિસ્તારનું ચોક્કસ લોકેશન આપ્યું હતું. તેમણે ૧૨ ઑક્ટોબરે બરફના ઢોળાવ પરથી લૂલૂને સલામત રીતે બહાર કાઢી હતી. આ બહાદુર ડૉગી હવે પોતાના ઘરે પહોંચીને સોફા પર આરામ ફરમાવી રહી છે.
