રાજસ્થાનના બીકાનેરમાં ઉત્તરભોજ દરમિયાન ઊકળતી દાળના તપેલામાં પડી જતાં પાંચ વર્ષના બાળકનું કરુણ મોત થયું. સારવાર છતાં બાળકને બચાવી શકાયું નહોતું.
દાદાના ઉત્તરભોજ માટે બનેલી દાળમાં જ પૌત્ર પડી જતાં મૃત્યુ પામ્યો
રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક ઊકળતી દાળના તપેલામાં પડી જતાં પાંચ વર્ષના સંકેત નામના બાળકનું મૃત્યુ થયું હતું. સંકેતના દાદાના મૃત્યુ પછી તેરમીની વિધિ પછી થતા ઉત્તરભોજ માટે મોટી સંખ્યામાં લોકો જમવા આવ્યા હતા. એ માટે ઘરની બહાર ચૂલા પર મોટા તપેલામાં દાળ ઊકળી રહી હતી. સંકેત તેનાં ભાઈ-બહેનો સાથે એ વિસ્તારમાં પકડાપકડી રમી રહ્યો હતો અને ક્યારે તે તપેલાની નજીક જઈને અંદર પડી ગયો એ આસપાસના લોકોને પણ સમજાયું નહીં. ઊકળતી દાળ હોવાથી બાળકની ચીસો સાંભળીને લોકો બચાવવા દોડ્યા. જોકે તેને દાળમાંથી બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં તે ૯૦ ટકા દાઝી ગયો હતો. પ્રાથમિક સારવાર ગામની હૉસ્પિટલમાં આપ્યા પછી બીકાનેરની મોટી હૉસ્પિટલમાં સંકેતને લઈ જવાયો. જોકે પૂરી સારવાર છતાં બાળક બચી શક્યું નહોતું.
