કોલંબિયાના એક થિયેટરમાં ‘સ્પાઇડરમૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ના શો દરમિયાન અચાનક ફેલાયેલી અસહ્ય દુર્ગંધથી દર્શકો હોલ છોડીને બહાર દોડી ગયા.
સ્પાઇડરમૅન મૂવી દરમ્યાન કોઈકે એવો ગૅસ છોડ્યો કે બધા થિયેટરમાંથી ભાગી છૂટ્યા
દક્ષિણ અમેરિકાના કોલંબિયા દેશના કાર્ટજીના શહેરમાં તાજેતરમાં એક ખૂબ જ અજીબોગરીબ ઘટના બની હતી. અહીંના એક શૉપિંગ સેન્ટરમાં આવેલા એક થિયેટરમાં લોકો ખૂબ જ ઉત્સાહથી નવી ફિલ્મ ‘સ્પાઇડરમૅન : બ્રૅન્ડ ન્યુ ડે’ જોઈ રહ્યા હતા. ફિલ્મ બરાબર અડધે પહોંચી હતી ત્યાં જ થિયેટરમાં અચાનક એવી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ ફેલાઈ કે લોકો પોતાનું નાક બંધ કરીને થિયેટરની બહાર ભાગવા લાગ્યા અને જોતજોતામાં આખું થિયેટર ખાલી થઈ ગયું. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં લોકો નાક પર હાથ રાખીને હૉલમાંથી બહાર દોડતા દેખાય છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ બદબૂ કોઈએ મજાક-મસ્તીમાં છોડેલા સ્ટિન્ક બૉમ્બ કે ફાર્ટ સ્પ્રેની હતી અથવા તો થિયેટરમાં બેઠેલા કોઈ પ્રેક્ષકે પેટની ગરબડને કારણે ભયાનક ગૅસ છોડ્યો હતો.
ઘટના સમયે સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરેલો એક ચાહક પણ પ્રેક્ષકો વચ્ચે જ હતો, જેણે બહાર આવીને ભાગી આવેલા લોકોને એન્ટરટેઇન કર્યા હતા. દુર્ગંધ એટલી આકરી હતી કે મોટા ભાગના લોકો ફિલ્મ પૂરી જોવા પાછા અંદર જવાની હિંમત કરી શક્યા નહીં.
