જબલપુરના એક વ્યક્તિએ માઉથ-કૅન્સરની સર્જરી બાદ ગલોફાની અંદર વાળ ઊગતા હોવાનો દાવો કર્યો છે. ડૉક્ટરોનું કહેવું છે કે ત્વચા ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન વાળવાળી ત્વચાનો ઉપયોગ થવાથી આવું શક્ય બની શકે છે.
મોઢામાં કૅન્સરની સર્જરી કર્યા પછી ગલોફામાં વાળ ઊગવા લાગ્યા
મધ્ય પ્રદેશના જબલપુરમાં મુકેશ નામના એક ભાઈ છેલ્લા લગભગ દોઢ વર્ષથી હેરાન થાય છે કેમ કે તેના ગલોફામાં વાળ ઊગી રહ્યા છે. મુકેશને માઉથ-કૅન્સર થયું હતું અને એને કારણે મોંમાં ખૂબ અલ્સર થઈ ગયાં હતાં. અલ્સર કાઢવાની સર્જરી ૧૯ મહિના પહેલાં કરાવવામાં આવી હતી. જોકે સર્જરી પછી તેને રાહત થઈ નહોતી. ઊલટાનું ખાવા-પીવામાં વધુ તકલીફ થવા લાગી હતી. એક તબક્કે તો તેને થૂંક ગળવામાં પણ તકલીફ પડવા લાગી. આ બાબતે તપાસ કરાવી તો ખબર પડી કે ગલોફાની અંદરની ત્વચામાં વાળ ઊગી રહ્યા છે. આ વાળ રિયલ વાળ જેવા જ છે. એને કારણે ખાવા-પીવામાં બહુ જ મુશ્કેલી થાય છે. જ્યારે ડૉક્ટરને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે જે જગ્યાની ત્વચા લીધી હોય એમાં જો પહેલાં વાળ ઊગતા હોય તો એ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ વાળ ઊગી શકે છે. મુકેશનો આરોપ છે કે મોંમાં અલ્સરને કારણે ખરાબ થયેલી ત્વચાને તેની જ દાઢી પરથી લીધેલી ત્વચાથી રિપ્લેસ કરવામાં આવી હતી.
