કમલજિતે પોલીસમાં ફરિયાદ નોંધાવીને એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
૩૫ લાખનો પાડો
પંજાબના કપૂરથલા જિલ્લામાં કાલા સંધિયા ગામમાં રાજા નામનો ૧૯ વર્ષનો ફેમસ પાડો ચોરાઈ ગયો છે. તેના માલિક કમલજીત સિંહે એને શોધી લાવનારને ૧ લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે. રાજા પંજાબના ગામોમાં થતી હલ્ટ નામની દોડમાં છેલ્લાં ૧૦ વર્ષથી જીતી રહ્યો છે. એની કિંમત લગભગ ૩૫ લાખ રૂપિયા બોલાઈ રહી છે. કમલજિત સિંહનું કહેવું છે, ‘મારા માટે રાજા મારા દીકરા જેવો છે. મેં એને દીકરાની જેમ જ રાખ્યો છે. એની તંદુરસ્તી માટે હું દૂધ અને દેશી ઘી પીવડાવું છું. આગામી વર્ષે થનારી દોડસ્પર્ધામાં રાજાને સન્માન સાથે રિટાયર કરવાની મારી ઇચ્છા હતી, પણ એ પહેલાં જ એ ચોરાઈ જતાં મારું સપનું અધૂરું રહી ગયું.’ કમલજિતે પોલીસમાં ફરિયાદ નોંધાવીને એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
હરિયાણાની દુર્ગા નામની ભેંસે ૧ દિવસમાં આપ્યું ૪૧.૫૮ કિલો દૂધ
ADVERTISEMENT

હરિયાણાના હાંસી ક્ષેત્રના મિર્ચપુર ગામમાં નવદીપ નામના એક ખેડૂતે પાળેલી ‘દુર્ગા’ નામની ભેંસ પુષ્કળ દૂધ આપે છે. તાજેતરમાં દુર્ગાએ ૪૧.૫૮ કિલો દૂધ આપીને એક દિવસમાં સૌથી વધુ દૂધ આપવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. દુર્ગા તેમના ઘરે જ પેદા થયેલી ભેંસ છે. તે જન્મી ત્યારે નવદીપની નાની દીકરી જ્યોતિએ આ ભેંસનું નામ દુર્ગા પાડેલું. દુર્ગાને રોજ ૧૫ કિલો લીલું ઘાસ, ચણા, મેથી, સોયાબીન, ઘઉંના ફાડા, ચણાની ચૂરી અને અન્ય પોષ્ટિક ખોરાક ખવડાવવામાં આવે છે. એને ખૂબ જ નજાકતથી રાખવામાં આવે છે. એને નીચે બેસવા માટે પણ પોચાં ગાદલાં મૂકવામાં આવ્યાં છે. રોજ તેની સરસવના તેલથી માલિશ કરવામાં આવે છે જેનાથી એ રિલૅક્સ રહે છે. દુર્ગા હંમેશાં ખુશ અને સ્વસ્થ રહેતી હોવાથી એનું દૂધનું ઉત્પાદન દિવસે ન વધે એટલું રાતે વધ્યું છે. દુર્ગાની વાછરડીઓ પણ આટલી જ હેલ્ધી છે. હરિયાણામાં દેશી પ્રજાતિના દૂધાળાં પ્રાણીઓના પાલનને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજ્યના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા નિષ્ણાતોની હાજરીમાં સૌથી વધુ દૂધનો રેકૉર્ડ નોંધવામાં આવ્યો હતો. આ પહેલાં સૌથી વધુ દૂધ આપવાનો રેકૉર્ડ સિંધવા ખાસ ગામના ઈશ્વર સિંધવાની રાધા નામની ભેંસના નામે હતો જે ૧ દિવસમાં ૩૫.૬૬૯ કિલો દૂધ આપતી હોવાનું નોંધાયું હતું.
