દાલીની જીવનકથની બહુ દયનીય છે. તે જ્યારે ૪૦-૪૫ દિવસનું ગલૂડિયું હતી ત્યારે કોઈ એને એક જગ્યાએ બાંધીને છોડી ગયું હતું. ઘણા દિવસો સુધી એ ત્યાં ભૂખી-તરસી રહી હતી.
હૈદરાબાદમાં બે વર્ષની રેસ્ક્યુ કરેલી દાલી નામની ડૉગી ભારતની પહેલી વૉટરકલર પેઇન્ટિંગ કરનારી ડૉગી બની છે
હૈદરાબાદમાં બે વર્ષની રેસ્ક્યુ કરેલી દાલી નામની ડૉગી ભારતની પહેલી વૉટરકલર પેઇન્ટિંગ કરનારી ડૉગી બની છે. તેણે રમત-રમતમાં ૩૭ પેઇન્ટિંગ બનાવી નાખ્યાં છે અને એ પણ કોઈ તાલીમ વિના. એણે બનાવેલાં ચિત્રો વેચીને હજારો રૂપિયાની કમાણી થઈ છે જે તેના જેવાં જ બીજાં પ્રાણીઓની મદદ માટે વપરાય છે.
દાલીની જીવનકથની બહુ દયનીય છે. તે જ્યારે ૪૦-૪૫ દિવસનું ગલૂડિયું હતી ત્યારે કોઈ એને એક જગ્યાએ બાંધીને છોડી ગયું હતું. ઘણા દિવસો સુધી એ ત્યાં ભૂખી-તરસી રહી હતી. આખરે એક કપલની નજર એના પર પડી. સ્નેહાંશુ દેવનાથ અને હોઈ ચૌધરી નામના કપલે એને ત્યાંથી છોડાવીને દત્તક લઈ લીધી. થોડા સમય પહેલાં જ તેમણે પાળેલા પાબ્લો નામના ડૉગીને ખોયો હતો એને કારણે દાલી તેમને માટે જૂના સાથીની કમી પૂરું કરનારું સદસ્ય બની ગઈ. દાલીમાં ચિત્રકાર કઈ રીતે પેદા થયો એનું કારણ પણ મજાનું છે. હોઈ ચૌધરી પોતે એક આર્ટિસ્ટ છે. દાલી એક વાર તેના સ્ટુડિયોમાં ગઈ ત્યારે ત્યાં દરેક ચીજને બહુ ધ્યાનથી જોવા લાગી. હોઈબહેને તેને એક પેઇન્ટ-બ્રશ મોઢામાં આપ્યું અને પછી રમવા માટે છૂટી મૂકી દીધી. બીજા લોકોનું જોઈને દાલીએ જાતે જ બ્રશને પેઇન્ટમાં ડુબાડીને કઈ રીતે કૅન્વસ પર ફેરવાય એની નકલ કરતાં શીખી લીધું. સાત મહિનાની ઉંમરે દાલીએ પહેલું પેઇન્ટિંગ બનાવ્યું હતું. દરેક વખતે એ અલગ જ પ્રકારના રંગનું કૉમ્બિનેશન લઈને કૅન્વસ પર અજીબોગરીબ ક્રીએટિવિટી કરે છે અને પછી પોતે જ ચિત્રકારની જેમ એની સામે જોયા કરે છે. દાલીનાં ચિત્રોનું કલેક્શન થતાં હોઈએ એ ચિત્રોનું કૅલેન્ડર બહાર પાડ્યું અને એના વેચાણથી ૩૫,૦૦૦ રૂપિયા એકઠા થયા. આ રૂપિયા હૈદરાબાદની એક ઍનિમલ રેસ્ક્યુ સંસ્થાને આપવામાં આવ્યા હતા. આ કૅલેન્ડર ભારત ઉપરાંત અમેરિકા, કૅનેડા, ચીન અને થાઇલૅન્ડ જેવા દેશોમાં વેચાયું હતું.
ADVERTISEMENT
હવે દાલીનાં એક્સક્લુઝિવ પેઇન્ટિંગ્સનું પહેલું આર્ટ એક્ઝિબિશન યોજાવાનું છે. અત્યાર સુધીમાં દાલી ૩૭ ચિત્રો બનાવી ચૂકી છે. તેને મન પડે ત્યારે એ ચિત્રો બનાવે છે.

